નયનને બંધ રાખીને મેં, જયારે તમને જોયા છે.. આ ગઝલથી ગુજરાતીઓના દિલ જીતનાર ‘બેફામ’ની આજે જન્મજયંતી

- text


નજરનાં જામ છલકાવીને, થાય સરખામણી તો ઊતરતા છીએ જેવી ગઝલો આપનારા બરકતઅલી વિરાણી ‘બેફામ’ના શેરની મજા માણીએ..

મોરબી : બરકતઅલી ગુલામહુસેન વિરાણી તેમના ઉપનામ બેફામથી જાણીતા છે. તેઓ ગુજરાતી લેખક અને કવિ હતા. તેમજ તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે. બરકતઅલીનો જન્મ તા. 25 નવેમ્બર, 1923ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી. ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી.

ઈ.સ. 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ ઈ.સ. 1945માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા. પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા. ઈ.સ. 1952માં તેમના લગ્ન શયદાની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા. તા. 02 જાન્યુઆરી, 1994માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

પોતાની કલમથી ગુજરાતીઓના દિલ જીતનાર બરકતઅલી વિરાણી ‘બેફામ’ની જન્મજયંતી એ માણીએ તેમણે લખેલા શેરની મજા..

1.

નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયા છે,

તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે.

2.

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે,

જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે.

3.

થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.

એમના મહેલ ને રોશની આપવા, ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

4.

દિલથી બધાને પ્યાર કરો ને ગઝલ કહો,

દિલ એક પર નિસાર કરો ને ગઝલ કહો.

5.

તમે ચહેરા ઉપર પરદો ધર્યો છે,

ને પરદા પર હું ચહેરો ચીતરું છું.

6.

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,

એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું,

ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી.

7.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,

અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

8.

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,

કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હૃદયની તાપણી કરશું અમે,

એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું અમે.

9.

- text

સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને,

થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.

10.

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના,

સાથી વિના, સંગી વિના, એકલાં જવાના.

11.

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,

જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

12.

દુ:ખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા,

સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા;

કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,

સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં.

13.

મંઝિલ બનીને આવ, ન રહેબર બનીને આવ,

મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ,

કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં,

કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ.

14.

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,

કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

15.

મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,

કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે!

16.

એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,

તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.

17.

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી,

મને પણ શેખ, તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

18.

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,

આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,

મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

19.

કોણે કીધુ મારા દુઃખની ભાષા મારું રડવું છે,

એ મારું સદાબહાર સ્મિત પણ હોઇ શકે?

20.

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?

જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!

- text