મોરબી પંથકમાં ગૌસેવા થકી જીવંત રહેલી નાટયકલા

- text


રાજપર ગામે ગૌશાળા માટે યોજાયેલા ઐતિહાસિક નાટકમાં રૂ.20 લાખનો ફાળો એકત્ર થયો

મોરબી : ડિજિટલ યુગમાં નાટયકલા મરણપથારીએ પહોંચી ગઈ છે. પણ મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ સંદભે નાટયકલા આજે પણ જીવંત રહી છે. ખાસ કરીને નવરાત્રીથી દિવાળી સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ગૌશાળાના લાભાર્થે ગામડાઓમાં ઐતિહાસિક નાટકો ભજવાય છે. જેમાં રાજપર ગામે ગૌશાળા માટે યોજાયેલા ઐતિહાસિક નાટકમાં રૂ.20 લાખનો ફાળો એકત્ર થયો હતો.

મોરબીના મોટાભાગના ગામડાઓમાં ગૌશાળા ચાલે છે. આ ગૌશાળાના નિભાવ માટે વર્ષોથી ઐતિહાસિક નાટકો ભજવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. નવરાત્રીમાં મોટાભાગના ગામોમાં ગાયોના ઘાસચારા માટે નાટક ભજવાય છે. નાટકો ભજવવા પાછળનો મૂળ ઉદેશ્ય ગૌસેવા છે. સાથે સાથે મનોરંજન માટે પણ નાટકો યોજાઈ છે. નાટકની સાથે હાસ્ય કોમિક યોજીને લોકોને પેટ પકડીને હસાવે છે. રા નવઘણ, પૃથ્વીરાજ ચૌહાણ સહિતના ઐતિહાસિક નાટકો ભજવીને નવી પેઢીને એ સમય ઇતિહાસની પણ જાણકારી મળી રહે છે.

દરમિયાન આ વખતે નવરાત્રીના બીજા નોરતે મોરબીના રાજપર ગામે ગૌશાળા મંડળ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણ નામનું ઐતિહાસિક નાટક ભજવાયું હતું. ગામના યુવાનોમાં સીરામિક ઉધોગપતિ, વેપારી, શિક્ષક સહિત ગમે એવા ઉંચા હોદા ઉપર હોવા છતાં ગામની ગૌશાળાના નિભાવ માટે માન મોભો સાઈડમાં રાખી સ્ત્રી સહિતના તમામ પાત્રો પુરુષોએ ભજવ્યા હતા. જ્યારે ગામના 65 વર્ષના વૃદ્ધ ત્રિભોવનભાઈ મુંદડિયા છેલ્લા 25 વર્ષથી પાત્ર ભજવે છે. જો કે તેઓ અભણ હોય નાટકના સંવાદો વાંચી શકતા ન હોય બીજાના મોઢેથી નાટકના સંવાદો સભાવી યાદ રાખીને પોતાનું પાત્ર બખૂબીથી ભજવે છે. રાજપર ગામે 130 જેટલી ગાયો 82 ગાયોના કાયમી દાતા છે. બાકીમાં ગઈકાલે નાટક યોજીને 20 લાખનો ફાળો એકત્ર કરાયો હતો. માત્ર ચાર કલાકની અંદર 20 લાખનો ફાળો અને 50 ગુણી ખોળ અને 500 મણ ઘાસચારો એકત્ર થયો હતો.

- text

- text