એક લાખના 10 લાખ ચૂકવ્યા છતાં 17 લાખની પઠાણી ઉઘરાણી : ખેડૂતનું અપહરણ

- text


મોરબી રહેતા ખેડૂત પાસેથી માસિક 30 ટકા વ્યાજ વસુલતા વ્યાજખોરોએ બગથળા વાડીએથી અપહરણ કરી માર માર્યો

મોરબી : મોરબી રહેતા બગથળા ગામના ખેડૂતે ગાડી રીપેર કરાવવામાં માટે મહિને 30 ટકા વ્યાજે લીધેલા રકમના બદલામાં કટકે કટકે રૂ.10 લાખ ચૂકવી આપવા છતાં મોરબીના વ્યાજખોરે રૂપિયા 17 લાખ આપવા પડશે કહી વર્ના કારમાં અપહરણ કરી ઢોર માર મારી ભોગ બનનારના ભાઈને પણ માર મારતા વ્યાજખોરે સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ બગથળા ગામના અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર બોનીપાર્કમા સોસાયટી રીધ્ધિ સિધ્ધિ એપાર્મેન્ટની સામે રહેતા સુનિલભાઇ ધનજીભાઇ શેરસીયાએ વર્ષ 2018માં ગાડી રીપેર કરવા નાણાંની જરૂરત પડતા આરોપી પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુતની મધ્યસ્થીથી મોરબીના માલદેભાઇ આહિર, લાલાભાઇ બોરીચા પાસેથી મહિને 30 ટકા વ્યાજે રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.

- text

બાદમાં સુનિલભાઇ ધનજીભાઇ શેરસીયાએ નિયમિત રીતે દર મહિને એક લાખનું 30 હજાર વ્યાજ ચૂકવી દઈ કુલ રૂપિયા 10 લાખ ચૂકવી આપવા છતા વ્યાજખોર માલદેભાઇ આહિરે તારે 17 લાખ ચૂકવવા પડશે તેવું દબાણ આપવા શરૂ કરી ગઈકાલે સુનિલભાઈની બગથળા ગામે આવેલી વાડીએથી વર્ના કારમાં અપહરણ કરી મોરબી લાવ્યો હતો જ્યા બેફામ માર મારી ભોગ બનનાર સુનિલના ભાઈ અમિતને ફોન કરી 17 લાખ લઈને આવવા દબાણ કરી અમિત આવતા માલદેએ અમિતને પણ માર મારી તું જા અને રૂપિયાની વ્યવસ્થા કર તારા ભાઈને ટાંટિયા ભાંગી ઘરે મૂકી જાવ છું તેમ કહી ચારેય એક સંપ કરી માર માર્યો હતો.

અને ત્યાર બાદ વ્યાજખોરે ચંડાળ ચોકડીએ સુનિલભાઈને લોખંડનો પાઇપ, લાકડાના ધોકા વડે માર મારી તેના ઘરે મૂકી પૈસા લઈને આવવા જણાવતા સુનિલભાઈ ઘરમાં જતા રહ્યા હતા અને દરવાજા બંધ કરી દેતા ચારેય આરોપીઓ જતા રહ્યા હતા.

વ્યાજની પઠાણી ઉઘરાણીના આ બનાવ મામલે સુનિલભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે વ્યાજખોર માલદેભાઇ આહિર, લાલાભાઇ બોરીચા, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત અને પોપટભાઇ રહે.બધા મોરબી વાળાઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૬૪(એ),૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ -૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text