મોરબી શાંતિપૂર્ણ બંધ : પોલીસનો ચાંપતો બંદોબસ્ત

- text


સવારથી મોરબીની મુખ્ય બજારો બંધ : નહેરુગેટ ચોકમાં ફિલ્મ પદ્માવતના વિરોધમાં સૂત્રોચ્ચાર બાદ ક્ષત્રિય આગેવાનોની વેપારીઓને બંધમાં જોડાવા શાંતિપૂર્ણ અપીલ 

મોરબી : વિવાદિત ફિલ્મ પદ્માવતના વિરોધમાં દેશવ્યાપી બંધના એલાનને પગલે આજે મોરબી શહેરમા અડધો દિવસનો શાંતિપૂર્ણ બંધ પાડવા ક્ષત્રિય સમાજ દ્વારા અપીલ કરવામાં આવતા સવારથી જ મોરબીની તમામ મુખ્ય બજારો જડબેસલાક બંધ રહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ફિલ્મ પદ્માવત આજે રિલીઝ થઈ રહી છે ત્યારે કરણીસેના દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાનને પગલે ગઈકાલે ક્ષત્રિય સમાજ અનેઅન્ય સમાજના આગેવાનો દ્વારા મોરબીના તમામ વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી હતી જેને પગલે આજે સવારથી મોરબીની મુખ્ય તમામ બજારો બંધમાં જોડાઈ હતી.

મોરબી બંધના એલાનને પગલે મોરબીની મુખ્ય બજાર પરાબજાર, નવા ડેલા રોડ, ત્રિકોણબાગ, આદ્યોગિક વિસ્તાર લાતીપ્લોટ તેમજ પેટ્રોલપમ્પ અને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો બંધમાં જોડાયા હતા.

- text

જો કે આ બંધના એલાનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મેડિકલ અને હોસ્પિટલ જેવી ઇમરજન્સી સેવાઓ બાકાત રાખી હતી સાથો સાથ આજે મોરબીની મોટાભાગની શાળા કોલેજો ચાલુ રહી હતી. જયારે આજે સવારે નગર દરવાજા ચોકમાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના આગેવાનોએ વિવાદિત ફિલ્મ પદ્માવતના વિરોધમાં શહેરના નગર દરવાજા ચોકમાં એકઠા થઈને સૂત્રોચ્ચારો કર્યા હતા. તેમજ બંધમાં જોડાવા માટે બજારોમાં ફરીને વેપારીઓને અપીલ કરી હતી.

દરમિયાન મોરબી બંધના એલાનને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા પૂરતી તકેદારી રાખી તમામ મુખ્ય બજારો અને શેરીઓ – ગલીઓ અને ચોકે – ચોકે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપી જવાનો પણ પોલીસ બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે.

પદ્માવત ફિલ્મના વિરોધમાં મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત
વિવાદિત ફિલ્મ પદ્માવતને લઈ દેશભરમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યો છે ત્યારે મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા આજે દેશ વ્યાપી બંધને ટેકો જાહેર કરાયો હોય મોરબીના ૩૫૦થી વધુ વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહી પદ્મવત ફિલ્મનો વિરોધ કરવા જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે બંધને પગલે અસીલો હેરાન ન થાય તે માટે વકીલ મંડળ દ્વારા મહત્વની ફરજ અદા કરવામાં આવનાર હોવાનું મોરબી બાર એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું.

- text