મોરબી : 106 કરોડના ખર્ચે બનેલી ગટરમાં છલકતો ભ્રષ્ટચાર ગંદકીરૂપે બહાર આવ્યો

- text


શહેરમાં ગટરરાજ થી લોકો ત્રાહિમામ

મોરબી : મોરબી શહેરમાં બે વર્ષ પૂર્વે બનેલી ભૂગર્ભ ગટરના કામમાં બેફામ ભ્રષ્ટચાર આચરી ઢંગધડા વગર કામ કરવામાં આવતા મોરબીની નિર્દોષ જનતાને વગરવાંકે ગટરની ગંદકી સહન કરવાનો વારો આવ્યો છે. બીજીતરફ પાલિકા અને પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ છલકાતી ગટરો નું રીપેરીંગ કરવાને બદલે એક બીજા પર દોષારોપણ કરતા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ બે વર્ષ પૂર્વે મોરબી શહેરમાં સરકાર દ્વારા રૂપિયા 106 કરોડના ખર્ચે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મારફતે ભૂગર્ભ ગટરના કામ કરાવ્યા હતા જેનું એક વર્ષ પૂર્વે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરન્તુ આ ભૂગર્ભ ગટરના કામ બાદ મોરબીમાં ગંદકી ઘટવાને બદલે ઉલટું તમામ વિસ્તારોમાં વગર વરસાદે ગટરો ની નદી વહેવાનું શરૂ થયું છે,
દરમિયાન ઓણ સાલ ભારે વરસાદ શરૂ થતા જ મોરબીના જે-જે વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ થયા છે તેવા વિસ્તારમાં લોકોને જીવવું દુષ્કર થઈ પડ્યું છેકર્ણકે ગટરના પાણી રોડ રસ્તા બાદ હવે લોકોના ઘરમાં ઘુસી રહ્યા છે.
અમલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતુંકે ગટર છલકવા પ્રશ્ને પાણી પુરવઠા બોર્ડ પગલાં ભરતું નથી ઉપરાંત આ નવી ભૂગર્ભ ગટરો હજુ સુધી નગરપાલિકાને સોંપવામાં આવી નથી પરિણામે ગટરનું મેઇન્ટેન્સ થતું નથી,વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નવી ભૂગર્ભ લાઈનમાં આડા-અવળા જોઈન્ટ અપાયા હોવાથી ગટર ચોકઅપ થઈ જય છે.
બીજી તરફ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારી કે.ટી.સિંહે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરમાં ચોમાસાને કારણે સમસ્યા નદી રહી છે અને નવું પમ્પિંગ સ્ટેશન બનાવની કામગીરી ચાલી રહી છે જે ટૂંક સમયમાં કાર્યાન્વિત થઇ જતા ભૂગર્ભ છલકાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ થી જશે.
જો કે નવું પમ્પિંગ સ્ટેશન બને કે ન બને હાલ તો બંને વિભાગોના આરોપ પ્રત્યારોપ વચ્ચે મોરબીની પ્રજાને ગંદકી સહન કરવી પડી રહી છે.

- text