ટંકારા તેમજ જીલ્લાના અન્ય વિસ્તારના ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર તાત્કાલિક આપવાની માંગ

- text


ટંકારા : તાજેતરમાં અતિવૃષ્ટીના કારણે મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં સૌથી વધારે ભયંકર રીતે પુરથી તારાજી થયેલ છે. આમાં ખેડૂતો, માલધારીઓ, નાના-મોટા કારખાનેદારો, નાના વેપારીઓ તેમજ મજૂરવર્ગના લોકો એમ દરેકને મોટાપાયે નુકશાન થયેલ છે.ત્યારે આ બાબતે મોરબીના કોંગી આગેવાન કે.ડી.બાવરવાએ રાજ્ય સરકારને રજૂઆત કરી ટંકારા તાલુકાની પ્રજાને ન્યાય આપવાની માંગ કરી છે.

તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા ફક્ત કેશડોલ્સ તેમજ મામુલી સહાય ચૂકવીને સંતોષ માનેલ છે. સત્તાધારી રાજકીય પક્ષના આગેવાનોએ પોતાની વગના જોરે તંત્રના અધિકરીઓને સાથે રાખીને ફક્ત અને ફક્ત ફોટાઓ પડાવી મીડિયામાં પોતાની વાહવાહ કરાવવાથી સંતોષ માનેલ છે અને જે વળતર તેમના દ્વારા નથી ચુકવવામાં આવ્યું તેવા વળતરની ચૂકવણીની પણ પ્રસિધ્ધી પોતાના નામે ચડાવવા જેવી હલકી પ્રવુતિ કરેલ હોવાનું પણ લોકોમાં ચર્ચાય છે. આમ છતાં જે નુકશાન થયેલ છે તેની સામે નુકશાનના પ્રમાણમાં જે પગલા લેવાવા જોઈએ તે લેવામાં ખુબજ વિલંબ થઇ રહ્યાનું લોકો અનુભવી રહ્યા છે. તો અમારી નીચે મુજબની માંગણીઓ બાબતે સકારાત્મક રીતે વિચારી યોગ્ય આદેશો કરી નક્કર કાર્યવાહી થાય તેવું કરવા વિનંતિ.

- text

(૧) ટંકારા તેમજ જીલ્લાના અન્ય વિસ્તારના ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર તાત્કાલિક આપવામાં આવે. ખેડૂતોનું પાક ધિરાણનું દેવું માફ કરવામાં આવે. જુનો તેમજ આ વખતનો નવો પાક વીમો મંજુર કરી તેનું ચુકવણું તાત્કાલિક કરવામાં આવે.

(૨) માલધારીઓને ઘાસચારો નાશ પામેલ છે તેઓને ઘાસચારો મફતમાં પૂરો પાડવામાં આવે અને તેઓની ઘરવખરી તેમજ મકાન ને થયેલ નુકશાનનું વળતર ચુકવવામાં આવે.

(૩) નાના ધંધાર્થીઓને થયેલ નુકશાનીનું વળતર આપવામાં આવે. વીમો આપવામાં આવે અને લોન પરનું વ્યાજ એક વર્ષ માટે માફ કરવામાં આવે તેમજ લોનના હપ્તાઓ એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવે. જે લોકોએ લોન ના લીધેલ હોય તેઓને લોન આપવામાં આવે.

(૪) નાના મજુર વર્ગને ઘરવખરીના નુકશાનની સહાય આપવામાં આવે અને એક મહિનો ચાલે તેટલું રાશન મફત આપવામાં આવે.

આ ઉપરાંત સરકારી રોડ-રસ્તા, મકાન તેમજ ચેકડેમો અને તળાવને થયેલ નુકશાનને તાત્કાલિક રીપેરીંગ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે, સંપર્ક વિહોણા ગામડાઓનો સંપર્ક તાત્કાલિક સ્થાપવામાં આવે વગેરે કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવે તેવી અમારી માગણી કરવામાં આવી છે.

- text