મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી : હજારો લોકોએ સમૂહમાં યોગ કર્યા

- text


જિલ્લા – તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સમૂહમાં યોગ દિવસ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો

મોરબી : આજ રોજ વહેલી સવારથી સમગ્ર મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી અને એક સાથે અનેક સ્થળોએ સામૂહિક યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા – તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ યોગાસનો કર્યા હતા.
વિશ્વ યોગ દિનની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઠેરઠેર તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા ક્ક્ષાની ઉજવણી “પોલીસ પરેડ ગ્રાઉન્ડ” જેલ રોડ મોરબી ખાતે આજે સવારના ૫:૪૫ કલાકે થઈ હતી. આ ઉપરાંત મોરબીના એલ.ઈ ગ્રાઉન્ડ સહીત મોરબી જિલ્લાનાં પાંચ તાલુકામાં ર૩ સ્થળોએ યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જિલ્લાનું યોગનું મુખ્ય મથક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગનાં કાર્યક્રમમાં સંસદીય સચીવ બાબુભાઈ પટેલ, કલેકટર આઈ.કે.પટેલ, ડી.ડી.ઓ એસ.એમ.ખટાણા, એસ.પી.જયપાલસિંહ રાઠોડ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, દિલુભા જાડેજા, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ,ભાજપના આગેવાનો સહિત મોરબી વિકાસ વિધાલયની બાળાઓ અને 20 થી વધુ દિવ્યાંગો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાઈને યોગ કર્યા હતા. આ સિવાય પણ મોરબી જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થા, ક્લબ, સામાજિક સંસ્થા, ઉદ્યાનો અને મેદાનોની અંદર લોકોએ વહેલી સવારથી જ એકત્ર થઈ યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે યોગ કરી આ દિવસનાં ઉદ્દેશને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.

- text