મોરબીમાં આજે બુધવારે 45 ડિગ્રી તાપમાન રહેવાની શકયતા

- text


વાતાવરણ ગરમ અને ભેજવાળુ રહેશે, લોકોને સાવચેતી રાખવા અપીલ

મોરબી : મોરબી જિલ્લામાં આજથી આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મોરબી જિલ્લામાં આજે તારીખ 22 મેથી આગામી પાંચ દિવસ સુધી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે મોરબીમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયા દ્વારા આજે તારીખ 22 મે થી આગામી 26 મે સુધી મોરબી જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન રહેશે તેમ જણાવાયું છે. જ્યારે રાત્રિના સમયે લઘુતમ તાપમાન 24 ડિગ્રી જેટલું રહેવાનું અનુમાન છે. જ્યારે પવનની ગતિ 26 થી 36 કિમી પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. 22 થી 26 મે સુધી મહત્તમ ભેજનું પ્રમાણ 57-78 અને લઘુતમ ભેજનું પ્રમાણ 11-34 ટકા રહેવાનું અનુમાન છે.

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદના રાઉન્ડ બાદ કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. દિવસ તો ઠીક પણ રાત્રિના પણ લોકો ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. તેવામાં આજથી વધુ પાંચ દિવસ મોરબી જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન સાથે આકરા તાપની આગાહી કરવામાં આવી છે. આ અઠવાડિયું લોકોએ ભારે ગરમી સામે જરૂરી કાળજી રાખવા તંત્રએ અપીલ કરી છે.


શું કાળજી રાખવી ?

ગરમ અને ભેજયુક્ત હવામાનની શક્યતા હોય આકરા તાપમાં બપોરના સમયે બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ગરમીથી બચવા માટે પુષ્કળ પાણી પીવું, લસ્સી, છાશ, લીંબુ શરબત, મોસંબી તથા અન્ય ફળના જ્યુશ પીવા. હલકા સુતરાઉ કપડાં પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી. પશુઓને બપોરના સમયે વૃક્ષના છાયામાં અથવા શેડમાં રાખવા. દુધાળા પશુઓને ઠંડક આપવા પાણીનો છંટકાવ કરવો. ખોરાકમાં લીલા ચારાનું પ્રામણ વધારવું

- text


- text