રાષ્ટ્રીયકૃત બેંકોમાં હિન્દીભાષી કર્મચારીઓની ભરતીથી બેંકોનો ધંધો ભાંગ્યો, ગ્રાહકો પરેશાન

- text


મોરબીના ડો.કે.ડી.મારવાણિયાએ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રિઝર્વબેંક સહિત ઉચ્ચકક્ષાએ કરી ફરિયાદ

મોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમા છેલ્લા દાયકાઓમાં સતત હિન્દીભાષી કર્મચારીઓની જ ભરતી કરવામાં આવી રહી હોવાથી અભણ કે ઓછું ભણેલા સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં બેન્ક ગ્રાહકોને પરેશાની ભોગવવી પડે છે સાથે જ બેંકના ધંધા પણ સતત ભાંગી રહ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ મોરબીના ડો.કે.ડી.મારવાણીયાએ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રિઝર્વબેન્કના વડા સુધી કરી છે.

મોરબીના જાગૃત નાગરિક એવા ડો. કે.ડી. મારવણિયાએ ઇન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેનને સંબોધી લેખિત રજૂઆત સાથે ફરિયાદ કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લાર્કથી લઈ ઓફિસર સુધીની જગ્યા ઉપર હિન્દીભાષી લોકોની જ ભરતી કરવામાં આવી રહી હોવાનું અને પ્રાંતવાદ સાથે ભરતીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

- text

વધુમાં ડો. કે. ડી. મારવણિયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં નવા સ્ટાફની ભરતીમાં 90 ટકા બહારના રાજ્યના હિન્દી ભાષી સ્ટાફને ભરવામાં આવી રહ્યા છે. ભરતીનું ટોપ મેનેજમેન્ટ અન્ય રાજ્યનું હોવાથી ગુજરાતીઓની ભરતી કરવામાં આવતી નથી. હિન્દી ભાષી કર્મચારીઓ બેંકમાં નિષ્ફળ ગયા છે. ગુજરાતી ખાતા ધારકો બેંકમાં જાય ત્યારે તેઓને હિન્દીમાં બોલે તો જ જવાબ મળે છે જેથી ખાતા ધારકો પરેશાન થઈ રહ્યા છે. હિન્દી ભાષી ક્લાર્ક અને અધિકારીઓની ભરતીમાં મોટો ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો હોવાનો પણ તેમને આક્ષેપ કર્યો છે. વધુમાં બેંકોમાં હિન્દી ભાષીની ભરતી બંધ કરી ભરતીનું કાર્ય ગુજરાત સરકારને સોંપી દેવું જોઈએ અને ગુજરાતીઓની વધુ ભરતી કરવી જોઈએ જેથી સ્થાનિક બેન્ક ગ્રાહકોને ભાષાકીય મુશ્કેલી ન પડે.

ઉલ્લેખનીય છે કે, હિન્દીભાષી બેન્ક કર્મચારીઓ બેંકની લોન સહિતની ગ્રાહકોને લગતી બાબતો પ્રત્યે ઉદાસીન રહેતા હોય ખાનગી બેંકોને ફાયદો મળી રહ્યો છે અને હિન્દીભાષી કર્મચારીઓને કારણે બેંકનો ધંધો પણ ભાંગી રહ્યો છે ત્યારે બેંકોની ભરતીમાં પ્રાંતવાદ બંધ કરાવી ગુજરાતી કર્મચારીઓની ભરતી કરવા ડો.કે.ડી.મારવાણિયાએ વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી અને રિઝર્વ બેંકના વડાને પણ આ ગંભીર બાબતે ફરિયાદ કરી છે.

- text