- text
આજે ૭૫મો પ્રજાસત્તાક દિવસ : ભારતનો રાષ્ટ્રીય તહેવાર
મોરબી : આજે તા. ૨૬ જાન્યુઆરીના રોજ ૭૫મો પ્રજાસત્તાક દિવસ છે, જેને ગણતંત્ર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો.
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ એ ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં આ દિવસે સંપૂર્ણ લોકતંત્ર બન્યુ હતું. મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્રતા સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતું, તેમનું સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વપ્ન ફળીભુત થતું જોયું. ત્યારથી ૨૬ જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે.
પ્રજાસત્તાક દિવસનો ઈતિહાસ
ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫નો અમલ થતો. દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.
૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણની રચના માટે ડો. આંબેડકરનાં વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી, ૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું.
ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા, તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.
- text
પ્રજાસત્તાક દિવસની ઉજવણી
ખાસ કરીને ભારતની રાજધાની દીલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્બોધનથી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વતંત્રતા સેનાનીઓએ આપેલા બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપીને થાય છે કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સ્વતંત્રતા માટે લડ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરિવારજનોને જવાનોએ યુધ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચંદ્રકો એનાયત કરે છે. તથા ભારતના નાગરીકો કે જેમણે અસામાન્ય પરીસ્થિતિઓમાં બહાદુરીપુર્વકનું કાર્ય કર્યુ હોય એમને સન્માનિત કરી તેમને પુરસ્કારો એનાયત કરે છે.
આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક પરેડનું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. રાજપથ ઇંડીયા ગેટ થઈ તે ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. પાયદળ વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકડીઓ તેમના સત્તાવાર ગણવેશમાં કવાયત કરતાં ચાલે છે. ભારતના રાષ્ટ્રપતિ જે ત્રણેય સેનાના પ્રમુખ છે, તેઓ સલામી ઝીલે છે. આ પરેડમાં ભારતના જુદા-જુદા પ્રદેશની ઝાંખીઓને ફ્લોટ્સ પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે. પ્રાદેશિક ઝાંખી ઉપરાંત અન્ય દેખાવ પણ બતાવાય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે. જો કે દેશભરમાં ઠેર-ઠેર નાના-મોટા સૌ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે.
- text