- text
રામોત્સવ બંદોબસ્તમાં વ્યસ્ત રહેલી પોલીસને રાહત : પીધેલા, જાહેરનામા ભંગના પણ ગણ્યા ગાંઠ્યા કેસ
મોરબી : દેશભરમાં ગઈકાલે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ વચ્ચે મોરબી જિલ્લામાં રામરાજના દર્શન થયા હતા, રામોત્સવને પગલે સતત બંદોબસ્તમાં વ્યસ્ત બનેલી પોલીસને રાહતરૂપ જિલ્લામાં એક પણ ગંભીર ગુન્હો નોંધાયો ન હતો સાથે જ સમગ્ર જિલ્લામાં જાહેરનામા ભંગ અને પીધેલા શખ્સો ઝડપાઇ જવાના પણ ગણ્યા ગાંઠ્યા જ કિસ્સા નોંધાયા છે.
- text
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ મોરબી શહેર અને જિલ્લામાં અન્ય જિલ્લાઓની તુલનાએ ક્રાઈમરેટ ઓછો છે આમ છતાં શહેરના બે મુખ્ય પોલીસ મથકો અને જિલ્લાના પાંચ તાલુકા કક્ષાના પોલીસ મથકોમાં હળવા અને ગંભીર પ્રકારના બે ચાર કિસ્સાઓ ઉપરાંત જાહેરનામા ભંગ અને પીધેલા શખ્સોને પકડી પાડવાના કિસ્સાઓ સતત નોંધાતા રહેતા હોય છે. જો કે, ગઈકાલે અયોધ્યા ખાતે રામલલ્લાના આગમન સાથે મોરબી જિલ્લામાં રામરાજ આવ્યું હોય તેમ ગઈકાલના દિવસે ગંભીર કે હળવા પ્રકારના એક પણ ગુન્હાઓ નોંધાયા ન હતા ઉપરાંત પીધેલા શખ્સો અને જાહેરનામા ભંગ કરવા સંબંધી ગુન્હાઓ પણ ગણ્યા ગાંઠ્યા જ નોંધાયા હતા જેને પગલે મોરબી પોલીસે રાહત અનુભવી હતી.
- text