મોરબીના દરબારગઢ નજીક સાંકડી શેરીમાં આગ લાગતા ડોલ ભરી ભરીને આગ બુઝાવતું ફાયર બ્રિગેડ

- text


સંઘવી શેરીમાં ખંઢેર મકાનમા આગ લાગી, મકાનમાં માદા શ્વાનને બચ્ચા આપ્યા હોય ફાયર ટીમે જીવદયાનું પણ કાર્ય કર્યું

મોરબી : મોરબીના દરબારગઢ નજીક આવેલ અત્યંત સાંકડી એવી સંઘવી શેરીમાં બંધ પડેલા ખંઢેર મકાનમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની નાની ગાડી પણ પહોંચી શકે તેમ ન હોવાથી ફાયર ટીમે આજુબાજુના ઘરમાંથી મોટર વડે તેમજ ડોલ ભરી ભરીને પાણી છંટકાવ કરી આગ બુઝાવી હતી. બીજી તરફ આ ખંઢેરમા માદા શ્વાને બચ્ચા આપ્યા હોય આગ સમય જાગૃત નાગરિકે કેટલાક બચ્ચાને બચાવ્યા હતા અને ફાયર ટીમે દાઝી ગયેલ બે બચ્ચાને કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે ખસેડી માનવતા ભર્યું કાર્ય કર્યું હતું.

આજરોજ મોરબી ફાયર કંટ્રોલ રૂમ પર કોલ મળેલ કે દરબારગઢ ચોક સંઘવી શેરીમાં આવેલ ખંઢેર મકાનમા લાકડા કચરામાં આગ લાગેલ છે. જેથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા પણ ત્યાં સાંકડી શેરી હોવાને કારણે મીની ફાયર ટેન્ડર પણ ત્યાં ના પહોંચી શકે તેવી હાલત હતી.

બાદમાં ફાયર ટીમે ત્યાં આજુબાજુના લોકોની મદદથી બાજુના ઘરમાંથી પાણી ટાંકી અને નાની મોટર દ્વારા પાણીનો છટકાવ કરેલ અને પાણીની ડોલ વડે આગ પર કાબુ મેળવેલ અને આજુબાજુના ઘરને નુકસાન થતું અટકાવેલ.

બીજી તરફ ખંઢેર મકાનમાં માદા શ્વાન અને તેના નાના ચાર બચ્ચા હોવાને કારણે ત્યાંનાં જાગૃત નાગરિક સાગરભાઈએ ફાયર ફાઈટર ટીમ પહોચે તે પહેલા રેસ્ક્યુ કરી બહાર કાઢેલ તેમાંથી એક બચ્ચું મુત્યું પામ્યું હતું અને એક સહી સલામત બચાવી લેવાયું હતું તેમજ બે બચ્ચાં દાઝી ગયેલ હોય લિડિંગ ફાયરમેન જયેશ ડાકીએ કર્તવ્ય જીવદયા કેન્દ્રનો કોન્ટેક કરી ત્યાં ટીમને ટ્રાફિકના કારણે આવવામાં વાર લાગે તેમ હોય જયેશ ડાકીએ ફાયર બુલેટમાં લઈ જઈ નવાબસ સ્ટેન્ડ જીઆઇડીસી નાકાપર સામે મળેલ કર્તવ્ય જીવદયા ટીમની સાથે રહી બનતી ફર્સ્ટએડ સારવાર કરવા માટે કર્તવ્ય જીવદયા ટીમને સોપેલ હતું.

આ સાથે જ મોરબી ફાયર બ્રિગેડે જનતાને આહવાન કરતા જણાવ્યું હતું કે, તમારી આજુબાજુમાં ખંઢેર મકાન અથવા ખરાબ વાડા કે કચરા હોય તેને સહી સલામત સફાઈ કરી કચરો લાકડા દૂર કરો એને કારણે આગના બનાવ ન બંને અને તેમાં રહેતા આવા મૂંગા જાનવરના જીવ જોખમમાં ના મુકાઇ.

- text

- text