છઠ્ઠું નોરતું : ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને પતિ તરીકે મેળવવા દેવી કાત્યાયનીની પૂજા કરી હોવાની માન્યતા

- text


બીજી શતાબ્દીમાં લખાયેલા મહાભાશ્ય તેમજ બુદ્ધ અને જૈન ગ્રંથોમાં માતાનો ઉલ્લેખ કરાયો છે 

માં ભગવતીએ મહર્ષિ કાત્યાયનની ઈચ્છા પૂર્ણ કરવા એમના ઘરે પુત્રી બનીને જન્મ લીધેલો

મોરબી : આજે છઠ્ઠું નોરતું છે. છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજા-આરાધના કરવામાં આવે છે. માતા ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. કાત્યાયની મા પાર્વતીનું જ બીજું નામ છે. ઉમા, કાત્યાયની, ગૌરી, કાળી, શાકંભરી, હેમાવતી, ઈશ્વરી નામો પણ તેમના જ છે. ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીમાં લખાયેલા મહાભાશ્યમાં પણ કાત્યાયની દેવીનો ઉલ્લેખ છે. બુદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ તેમનો ઉલ્લેખ છે.

માતા કાત્યાયનીનું સ્વરૂપ

માતા કાત્યાયની ચાર ભુજાધારી છે. જમણી તરફની બે ભુજાઓ પૈકી ઉપરની ભુજા દ્વારા માતા ભયથી મુક્તિ અપાવનારા આશિર્વાદ આપે છે. જ્યારે નીચેની ભુજા દ્વારા સાધકને વરદાન આપે છે. ડાબી બાજુએ ઉપરની ભુજામાં દુષ્ટોના વધ માટે તલવાર ધારણ કરી છે, જ્યારે નીચેની ભુજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે. માતા સિંહ પર સવારી કરે છે.

માતા કાત્યાયનીની કથા

- text

કહેવાય છે કે કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતા. એમના પુત્ર ઋષિ કાત્ય હતા. એમના જ ગોત્રમાં વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન જન્મ્યા હતા. તેમણે ભગવતીની ઉપાસના કરતાં ઘણા વર્ષો સુધી કઠીન તપ કર્યું હતું. કાત્યાયની રાખવામાં આવ્યું હતું. ઋષિની ઈચ્છા હતી કે સાક્ષાત માં ભગવતી એમના ઘરે પુત્રી બનીને અવતાર લે. કઠિન તપસ્યાથી પ્રસન્ન થયેલા માં ભગવતીએ મહર્ષિ કાત્યાયનની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમના ઘરે પુત્રી બનીને જન્મ લીધો. આ દેવીની સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયને કરી. આથી, એ કાત્યાયની દેવી કહેવાયા.

અન્ય એક કથા અનુસાર જ્યારે પૃથ્વી ઉપર દાનવ મહિષાસુરનો અત્યાચાર વધી ગયો. એ સમયે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા પોતાના તેજનો અંશ આપીને એક દેવી ઉત્પન્ન કરવામાં આવ્યા. એવું કહેવાય છે કે આ એ જ દેવી હતા, જેમણે મહર્ષિ કાત્યાયનને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધેલો. આ કાત્યાયની દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી, માતા કાત્યાયનીને મહિષાસુરમર્દિની પણ કહેવામાં આવે છે.

કહેવાય છે કે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ માતા કાત્યાયનીની પણ પૂજા કરી હતી. તેમજ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને તેમના પતિ તરીકે મેળવવા માટે દેવી દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરી હોવાની માન્યતા છે.

- text