મોરબી પાલિકાના રોજમદાર કર્મચારીઓની હડતાળ સમેટાઈ

- text


ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ચીફ ઓફિસરની હાજરીમાં 70 રૂપિયા જેટલો વેતન વધારો મંજુર કરવામાં આવ્યો : કાલથી કામે ચડી જશે

મોરબી : મોરબી નગરપાલિકાના 325 જેટલા રોજમદાર કર્મચારીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી જુદી – જુદી ચાર માંગણીને લઈ શરૂ કરેલી હડતાળ અંતે આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ચીફ ઓફિસરની દરમિયાનગીરી બાદ રૂપિયા 70 જેટલો વેતન વધારો મંજુર કરવામાં આવતા હડતાળ સમેટાઈ ગઈ છે. જો કે, સફાઈ કામદારોને કાયમી કરવાનો મામલો સરકારના હાથમાં હોય એક માંગ અણ ઉકેલ રહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના 325 જેટલા રોજમદાર સફાઈ કર્મચારીઓ દ્વારા કાયમી નોકરી, વેતન વધારો અને હાજરી કાર્ડ, ઓળખપત્ર સહિતના પ્રશ્ને હડતાળ ઉપર ઉતરી જતા મોરબી શહેરની સફાઈ વ્યવસ્થાને માઠી અસર પડી હતી.

બીજી તરફ સફાઈ કામદારોની હડતાળ સમેટવા માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ચીફ ઓફિસર દ્વારા સતત પ્રયાસો બાદ આજે આગેવાનો સાથે બેઠક બાદ સ્કીલ્ડ સફાઈ કામદારોને 474 અને અન સ્કીલ્ડ કામદારોને રૂપિયા 452 વેતન આપવાનું નક્કી કરવામાં આવતા રૂપિયા 70 જેટલા વેતન વધારાને લઈ સફાઈ કામદારો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને હડતાળ સમેટવામાં આવી હતી.

વધુમાં સફાઈ કામદારોને વેતન વધારો આપવામાં આવતા મોરબી પાલિકાને મહિને 12.50 લાખ જેટલો બોજ વધ્યો છે અને આ વેતન વધારો 1લી ઓક્ટોબરથી અમલમાં મુકવામાં આવ્યો છે. જો કે હડતાળ અન્વયે સફાઈ કામદારોને કાયમી કરવાની બાબત રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં હોય એક મુદ્દો પેન્ડિંગ રહ્યો છે. આજે સફાઈ કામદારોની મોટાભાગની માંગ સ્વીકારવામાં આવતા આવતીકાલથી તમામ સફાઈ કામદારો ફરી રાબેતા મુજબ કામે લાગી જશે અને નેતાઓના ઘરની સફાઈ માટે કોઈ પણ સફાઈ કામદારને વધારાની કામગીરી નહિ સોંપવામાં આવે તેવું પણ સમાધાન બેઠકમાં નક્કી થયું હતું.

- text

- text