ભૂગર્ભ ગટરના ખાડામાં વરસાદી પાણી ભરાતા રોજે રોજ ખાબકતા અનેક વાહન ચાલકો

- text


જિલ્લા પંચાયતના પ્રમુખના મત વિસ્તાર હળવદના વેગડવાવ ગામે ભૂગર્ભ ગટર માટે રોડ ખોદયા બાદ ખાડાનું બુરાણ કરવાનું વિસરાય ગયું, વરસાદી પાણી ભરાવવાથી રોડ જોખમી બન્યો

હળવદ : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના મત વિસ્તાર ગણાતા હળવદના વેગડવાવ ગામે ભૂગર્ભ ગટર માટે રોડ ખોદયા બાદ ખાડાનું બુરાણ કરવાનું વિસરાય ગયું હોય એમ ખોદેલી લાઇન જેમની તેમ જ રાખી દેતા આ ખાડાઓ હાલ વરસાદી પાણી ભરાતા ખાડા ન દેખાવાથી અનેક વાહન ચાલકો તેમાં ખાબકી રહ્યા છે.વરસાદી પાણી ભરાવવાથી રોડ જોખમી બની ગયો છે.

હળવદના વેગડવાવ ગામનો મેઈન રોડ હળવદ અને ધ્રાગંધ્રાને જોડતો હોવાથી હજારો વાહનો અહીંથી પસાર થાય છે. વેગડવાવ ગામના મુખ્ય રોડ ઉપર પરબતભાઈના ગલ્લાથી વાસુભાઈના ઘર સુધી 10 દિવસ પહેલા ભૂગર્ભ ગટરની લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. પણ આ કામ પૂરું થયા બાદ રોડ ઉપર કરેલું ખોદકામ પર બુરણ કરવામાં આવ્યું નથી. આખો રોડ ખોદી નાખ્યો હોવાથી વેગડવાવથી અનેક ગામ તરફ જતા લોકોને ભારે હાલાકી પડે છે. હમણાંથી સતત વરસાદ પડતો હોય રોડ ખોદેલો હોય ત્યાં પાણી ભરાય જાય છે. આથી પાણી ભરાય રહેવાથી ખાડાઓ ન દેખાતા અનેક વાહન ચાલકો તેમાં ખાબકે છે અને નાની મોટી ઇજાઓ થાય છે. ગટર રોડ ઉપર ખોદેલી હોય પાણી ભરતા આ ખોદકામ દેખાતું ન હોવાથી વાહન ચાલકો દરરોજ તેમાં પડી જાય છે. આથી ગ્રામજનો અને વાહન ચાલકોએ આ ગટર બુરવાની માંગ કરી છે. સાથે ગટર જ્યારે ખોદવામાં આવી ત્યારે જેસીબીથી ખોદકામ થતું હોય ગ્રામજનોના પાણીના કનેક્શન પણ તૂટી જતા દૂષિત પાણી નળ વાટે આવતા ગ્રામજનો ત્રસ્ત થઈ ગયા છે.જો કે, જિલ્લા પંચાયતના પ્રમુખનો મત વિસ્તાર ગણાતા આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એકાદ વર્ષથી થઈ ન હોવાથી ગ્રામ પંચાયત વહીવટીદારના હવાલે હોય ગામલોકો ઘણીધોરી વગરના થઈ ગયા છે.

- text

- text