મોરબી આરટીઓ દ્વારા રાજસ્થાની રો મટીરીયલ ટ્રકને ગેરકાયદે દંડ ફટકારાતો હોવાની કલેક્ટરને ફરિયાદ

- text


ટ્રાન્ઝિટ પાસ પૂરો થઈ ગયો છે કહી ટ્રકને રોકી રાખી દંડ ફટકારતા રાજસ્થાન મિનરલ્સ એસોસિએશન દ્વારા લડત આપવા એલાન 

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગમાં દરરોજ રાજસ્થાનથી અલગ અલગ રો મટિરિયલની હજારો ટ્રક આવે છે ત્યારે છેલ્લા થોડા સમયથી મોરબી આરટીઓ દ્વારા મિનરલ્સ ફેલ્સફાર પાવડરની ટ્રાન્ઝિટ પરમીટ ધરાવતી ટ્રકોને કારણ વિના રોકી લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો હોય આજે રાજસ્થાન મિનરલ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હેરાનગતિ રોકવા માંગ કરી જરૂર પડ્યે આ ગેરકાયદેસર હેરાનગતિ મામલે કાનૂની પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આજરોજ રાજસ્થાન મિનરલ્સ એસોસિએશન રાજસમંદ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા છએક મહિનાથી મોરબી આરટીઓ દ્વારા માંડલ રોડ, લાલપર રોડ સહિતના વિસ્તારમાં રાજસ્થાન સરકારના કાયદેસરના ટ્રાન્ઝિટ પાસ ધરાવતા ફેલ્સફાર પાવડર મટીરીયલ ભરીને ટ્રક ચાલકોને ગેરકાયદેસર રીતે રોકી આરટીઓ દ્વારા લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે જે બિન કાયદેસર છે.

- text

વધુમાં રાજસ્થાન મિનરલ એસોસિએશન દ્વારા રજુઆતમાં જણાવાયું હતું કે, રાજસ્થાનથી દરરોજ હજારોની સંખ્યામાં સિરામિક ઉદ્યોગ માટે રો મટીરીયલ લીગલ રીતે આવતું હોય ત્યારે આ ખોટી હેરાનગતિથી લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે જે મામલે જો તાકીદે કાર્યવાહી નહિ કરવામાં આવે તો કાનૂની પગલાં પણ લેવામાં આવશે. આ સાથે જ મિનરલ એસોશિએશન દ્વારા મોરબી સિરામિક એસોશિએશનને પણ આરટીઓ દ્વારા થતી હેરાનગતિ મામલે સરકારમાં રજુઆત કરવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

- text