ટંકારાના લજાઈ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું

- text


એલસીબી ટીમે 6 શખ્સોને દબોચી લઈ 26.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ટંકારા : મોરબી એલસીબી ટીમે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનાના ગોડાઉનમાં દારૂનો જથ્થો સંગ્રહી વેચાણ કરતા છ શખ્સોને રૂપિયા 26.94 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાની સાથે આ ગોડાઉન ભાડે રાખી દારૂનો ધંધો કરતા માસ્ટર માઈન્ડ રાજસ્થાની શખ્સને ફરાર દર્શાવી સાત આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, લજાઈ – હડમતીયા રોડ ઉપર લજાઈ ગામની સીમમાં આવેલ ઉમા પ્લાસ્ટિક પ્લોટ નંબર 28ના ગોડાઉનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે એલસીબી ટીમે ગઈકાલે સાંજે દરોડો પાડતા ઉમા પ્લાસ્ટિકના ગોડાઉનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 4284 બોટલ મળી આવતા ગોડાઉનમાં હાજર રહેલા છ રાજસ્થાની શખ્સોને પોલીસે અટકાયતમાં લીધા હતા.

- text

વધુમાં પોલીસે દરોડા દરમિયાન આરોપી અનિલકુમાર ભાગીરથજી રામનારાયણજી લટીયાલ, રહે.ગીરધરધોરા તા.ચિતલવાના જી.સાંચૌર (રાજસ્થાન), મુકેશકુમાર પુનમારામ ગોરધનરામ જાંગુ, રહે. રાજીવનગર પુર ગામ તા.રાનીવાડા જી.સાંચૌર (રાજસ્થાન), ભવરલાલ મંગળારામ હાથીરામ ખોડ, રહે. દુઠવા તા.ચિતલવાના જી.સાંચૌર (રાજસ્થાન), પ્રવિણકુમાર ભગવાનારામ રામુરામ ગોદારા, રહે. ડડુસણ તા.જી.સાંચૌર, મોહનલાલ પુનમારામ રામુરામ ગોદારા, રહે. ડડુસણ તા.જી.સાંચૌર અને ઓમપ્રકાશ હીરારામ ધુડારામ ખીચડ, રહે. દુઠવા તા.ચિતલવાના જી.સાંચૌર (રાજસ્થાન) વાળાને ગોડાઉન ઉપર દારૂનું કટિંગ કરતી વખતે રંગે હાથ ઝડપી લીધા હતા.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાનના પ્રદીપ નામના શખ્સે આ ગોડાઉન ભાડે રાખી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી સ્થાનિકે વેચાણ કરતો હોવાની કબૂલાત આપી હતી. જો કે, આરોપી પ્રદીપ હાજર નહિ મળી આવતા પોલીસે દરોડા દરમિયાન ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 4282 બોટલ કિંમત રૂપિયા 17,52,660, મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-03-BW-6043 કિમત રૂ. 5 લાખ, મારૂતી સુઝુકી કંપનીની કેરીટર્બો ગાડી નંબર-GJ-25-U-3384 કિમત રૂપિયા 3 લાખ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-9 કિંમત રૂપિયા 31,500 તેમજ ઇંગ્લીશ દારૂ વેચાણના રોકડા રૂપીયા 1.10 લાખ મળી કુલ રૂ.26,94,160 નો મુદામાલ કબ્જે કરી ટંકારા પોલીસ મથકમાં સાત આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text