- text
રાજકોટ દક્ષિણના ધારાસભ્યને મળી ફિઝીયોથેરાપીસ્ટ એસોસિએશનની નક્કર રજુઆત
મોરબી : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ-3ની ભરતી બહાર પાડવામાં આવી છે અને કુલ 8 જગ્યા ભરવામાં આવનાર છે ત્યારે આ અંગે ધ ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા સરકારમાં અને ધારાસભ્યોને રજુઆત કરવામાં આવી રહી છે અને ખાલી પડેલી 180 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માંગ કરવામાં આવી રહી છે. આ મામલે ટંકારાના ફિઝિયોથેરાપિસ્ટ ડો. વિવેક પટેલ અને અન્ય તબીબ મિત્રોએ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને મળ્યા હતા અને આ બાબતે નક્કર રજુઆત કરી હતી.
- text
ટંકારાના ફિઝિયોથેરાપિસ્ટ ડો. વિવેક પટેલ, ગાંધીનગરના ડો. સંકેત પટેલ, રાજકોટના ઋષિક ધામેચા, બગસરાના ડો. મહેન્દ્ર વાળા અને વેરાવળના ડો. અક્ષય રાઠોડ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને મળ્યા હતા અને જણાવ્યું હતું કે, રાજ્યના 147 જાહેર આરોગ્ય કેન્દ્રો, સિવિલ તથા જનરલ હોસ્પિટલમાં 35 થી 40 ટકા જગ્યાઓ તથા શિક્ષણ વિભાગમાં ફિઝિયોથેરાપિસ્ટની કાયમી જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડી છે. જેના કારણે અંતરિયાળ વિસ્તારમાં દર્દીઓને ફિઝિયોથેરાપિસ્ટનો લાભ મળી શકતો નથી. અત્યાર સુધીમાં વર્ષ 2016માં માત્ર એક વખત જ ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા પર ભરતી થઈ હતી. તે વખતે પણ 50 ટકા બેઠકો ખાલી રહી હતી. ત્યારે હાલ 2023-24માં ગુજરાત સરકાર દ્વારા ભરતી કેલેન્ડરમાં ફિઝિયોથેરાપિસ્ટની ટ્યુટર માટે કુલ 8 જગ્યાઓની જ ભરતી યોજાશે તેમ પ્રતિત થઈ રહ્યું છે. હાલમાં 180 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે તેવી ધારાસભ્ય સમક્ષ રજુઆત કરાઈ હતી.
- text