મહેન્દ્રનગર 20 દિવસથી તરસ્યું ! પાણી પ્રશ્ને રહીશોનો ગ્રામ પંચાયતમાં મોરચો

- text


સ્થાનીક રહીશોએ અડધીથી પોણી કલાક સુધી ગ્રામ પંચાયતમાં હલ્લા બોલ કર્યું 

મોરબી : મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામની સોસાયટીમાં પાણીના ધાંધિયા મામલે રહીશોના ટોળાએ ગ્રામ પંચાયત કચેરીએ મોરચો માંડ્યો હતો અને રહીશોએ અડધીથી પોણી કલાક સુધી ગ્રામ પંચાયત સમક્ષ 20 દિવસથી પાણી ન આવતું હોવાથી ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ઉગ્ર રજુઆત કરી હતી. આથી તલાટી મંત્રીએ પાણી પ્રશ્ને યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપતા હાલના તબક્કે મામળો થાળે પડ્યો હતો.

મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપ અને સોમનાથ ટાવરના રહીશો આજે પાણી પ્રશ્ને રજુઆત કરવા ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગયા હતા અને ગ્રામ પંચાયત સમક્ષ રહીશોએ અડધીથી પોણી કલાક સુધી ઉગ્ર રજૂઆત કરી હતી કે, પ્રભુકૃપા ટાઉનશીપ, સોમનાથ ટાવરની 2થી અઢી હજાર અને વસ્તી છે. પરંતુ આ સોસાયટીમાં 20 દિવસથી પાણી આવતું નથી. આથી પાણી માટે ભારે વલખા મારવા પડે છે.જો કે અગાઉ પાણી નિયમિતપણે આવતું પણ હવે છેલ્લા 20 દિવસથી પાણી આવતું ન હોય ભારે હાડમારી વેઠવી પડે છે. આ પાણી પ્રશ્ને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય જવાબ આપતા નથી. આથી રહીશોને ખુદ ગ્રામ પંચાયતમાં મોરચો માંડવાની ફરજ પડી હોવાનું જણાવી તેમની સોસાયટીમાં 24 કલાકમાં પાણી આપવાની ઉગ્ર માંગ કરી હતી.

પાણી પ્રશ્ને ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ જણાવ્યું હતું કે, મહેન્દ્રનગરની 30થી 35 હજારની વસ્તી હોય એ વસ્તીને પાણી પૂરું પાડવા માટે 10 એમ.એલ.ડી. પાણીની જરૂરીયાત છે. એની સામે માત્ર 4 એમ.એલ.ડી. જ પાણી ઉપરથી આવે છે.આથી આ પાણીની જરૂરિયાત પૂરી પાડવા ઉપર રજુઆત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રભુકૃપા ટાઉનશીપમાં પાણી માટે જે લાઇન નાખી છે, તે લાઇન તૂટી ગઈ છે અને વાલ્વ તૂટી ગયો હોય એનું રીપેરીંગ કામ ચાલુ છે. આથી ટુક સમયમાં આ સોસાયટીમાં પાણી પહોંચે તે માટેના સતત પ્રયાસો ચાલુ છે.

- text

- text