- text
ગાળા ગામના પાટિયે ગેસના ગોડાઉનમાં આગ બાદ એજન્સી સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયો : સુપર ગેસના સંચાલક સામે ફાયર બ્રિગેડ ધગધગતો રિપોર્ટ કરશે : તાલુકા મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે
મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક આજે સુપર ગેસ એજન્સીમાં સંગ્રહાયેલા ગેસના બાટલામાં આગ લગતા પળવારમાં જ આ આગ વિકરાળ બનતા ગેસના બાટલા બોમ્બની જેમ ધડાકાભેર ફાટવાનું શરૂ થતા ફાયરબ્રિગેડને પણ આગ ઓલવવામાં મુશ્કેલી પડી હતી. બીજી તરફ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જ મોતની એજન્સી સમાન આ ગેસની દુકાનમાં આગ રસ્તે પસાર થતા એક શ્રમિક યુવાનનું બાટલો લાગતા મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ આ યુવાની મોત બાટલો લાગવાના કારણે મૃત્યુ થયાનું હજુ કોઈ સત્તાવાર જાહેર થયું નથી. હતું. આ ઘટનામાં ગેસ એજન્સીની આજુબાજુમાં પડેલા અનેક બાઈક ભસ્મીભૂત થયા હોવાનું જાણવા મળે છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે, લોકો માટે અત્યંત જોખમી આ ગેસ એજન્સી કોની હતી તે અંગેની વિગતો હજુ સુધી પ્રકાશમાં આવી નથી અને મામલતદાર સહિતનો કાફલો હાલ બનાવ સ્થળે પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
મોરબીમાં કાયદાની ઐસીતૈસી કરી ગેરકાયદેસર બહુમાળી ઇમારતો બાંધવાથી લઈ, ગેસ એજન્સીઓમાં નિયમ વિરુદ્ધ બૉમ્બ સમાન બાટલાનો સંગ્રહ કરવા સહિતના તમામ પ્રકારના ગેરકાનૂની કામો ખુલ્લે આમ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા જ એક બનાવમાં આજે ગાળા ગામના પાટિયા નજીક સુપર ગેસ એજન્સીના જીવતા બૉમ્બ સમાન દુકાન કમ ગોડાઉનમાં આગ લાગતા આજુબાજુની દુકાનોમાં વ્યાપક નુકશાન થવાની સાથે અહીં પાર્ક કરાયેલા ત્રણથી ચાર જેટલા બાઈક ભસ્મીભૂત થઈ ગયા હતા. ગેસના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ આગ પ્રચંડ બનતા દુકાનમાં રહેલા બાટલા ધડાકાભેર ફાટવાનું શરૂ થયું હતું અને ધડાકાભેર ફાટતા બાટલા ઊડીઊડીને રોડ ઉપર આવતા બરાબર આજ સમયે અહીંથી પસાર થઈ રહેલા મૂળ ઉત્તરપ્રદેશ અને હાલમાં સીરામીક સિટીમાં રહેતા સલમાન ચંદબાબુ ખાન ઉ.16 નામના યુવાનને ઉડીને આવેલ બાટલો લાગતા ગળા તેમજ છાતીના ભાગે ઈજાઓ પહોંચતા મોત નીપજ્યાંનું તેમના પરિવાર જનોએ જણાવ્યું હતું. જોકે આ યુવાનનું મૃત્યુ આ ઘટનાના કારણે થયું કે કેમ તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર થઈ નથી.
અત્યંત જ્વલનશીલ એવા ગેસના બાટલા વેચાણ માટે ચોક્કસ નીતિનિયમોનું પાલન કરવું, એક્સ્પ્લોઝીવ લાયસન્સ સહિતની બાબતો જરૂરી હોવા છતાં મોરબી શહેરમાં તેમજ આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોઈપણ જાતના નિયમોના પાલન વગર જ લોકો માટે અત્યંત જોખમી રીતે આવા ગોરખધંધા થઇ રહ્યા છે ત્યારે આજે આગની આ ઘટના બાદ આગ બુઝાવવા ગયેલ મોરબી ફાયર બ્રિગેડની ટિમ પાસે પણ આ ગેસ એજન્સી કોની હતી ? તે અંગેની વિગતો મળી શકી ન હતી. બીજી તરફ આ ઘટનાની જાણ મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતાને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે કડક હાથે પગલાં ભરવા પોલીસ સાથે કામગીરીમાં હોવાનું જણાવ્યું હતું.
- text
ઉલ્લેખનીય છે કે, મોરબી ફાયર બ્રિગેડ વિભાગને સવારે 8.55 વાગ્યે ગાળા ગામના પાટિયા પાસે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો પળવારનો વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે આગ વિકરાળ હોવાની સાથે ધડાકાભેર ફાટતા બાટલા ઉડી ઉડીને આવતા હોય ફાયરબ્રિગેડ સ્ટાફે પણ તકેદારી રાખી આગને બુઝાવી હતી. આ ગંભીર બનાવ મામલે મોરબી ફાયરબ્રિગેડ દ્વારા પણ ધગધગતો રિપોર્ટ કરવામાં આવનાર હોવાનું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
- text