મોરબી પાલિકાનો જન્મ મરણ કામગીરીનો હોલ ભારે જોખમી બન્યો

- text


તાજેતરમાં જન્મ મરણ વિભાગમાં ચાલુ કામગીરીએ સ્લેબના પોપડા નીચે પડતા કર્મચારીઓ અને લોકો ભયભીત બન્યા હતા

મોરબી : મોરબી નગરપાલિકા કચેરીને જર્જરિતનું ગ્રહણ લાગ્યું છે જેમાં નગરપાલિકાના જન્મ મરણ વિભાગનો હોલ એટલી હદે ખંડિત થયો છે કે, ગમે ત્યારે ઉપરથી પોપડા નીચે પડે છે. તાજેતરમાં જન્મ મરણ વિભાગમાં ચાલુ કામગીરી સ્લેબ નીચે પડતા કર્મચારીઓ અને લોકો ભયભીત બન્યા હતા. સદભાગ્યે કોઈને ઇજા પહોંચી નહોતી.

- text

મોરબી નગરપાલિકાની અંદર આવેલો જન્મ મરણ વિભાગનો હોલ ઘણા સમયથી ધીરેધીરે ભયજનક બની રહ્યો છે. આ જન્મ મરણ વિભાગનો હોલ એટલી હદે જર્જરિત બની ગયો છે કે, તેમાંથી ગમે ત્યારે પોપડા ખરે છે અને જન્મ મરણ વિભાગના ઘણા લોકો કામગીરી માટે આવતા હોય તેમજ કર્મચારીઓ ઉપર પણ આ જર્જરિત હોલને કારણે જોખમ ઉભું થયું છે. કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના પણ આફત આવી હતી. થોડા દિવસો પહેલા આ જર્જરિત હોલનો મોટો સ્લેબ ચાલુ કામગીરીએ નીચે પડતા લોકો અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા. પણ સદભાગ્યે કોઈને ઇજા થઇ ન હતી. પણ સાવચેતીના ભાગરૂપે આ હોલને બંધ કરી જન્મ મરણની કામગીરી અન્યત્ર ખસેડી છે. જો કે નવી નગરપાલિકા બનાવવાનું કામ ઘણા સમયથી ચાલુ છે. જે હજુ પૂરું થયું નથી. નવી નગરપાલિકા ક્યારે બનશે તે અંગે કઈ કહી શકાય એમ નથી. ત્યાં સુધી કર્મચારીઓ ઉપર આફની તલવાર લટકતી રહેશે. બીજી તરફ નગરપાલિકા ખુદ જ શહેરમાં આવેલી જોખમી મિલકતો મામલે જે તે મકાન માલિકોને નોટિસ ફટકારે છે. ત્યારે અહીં ખૂબ નગરપાલિકા જ જર્જરિત બની ગઈ હોય તંત્રને કોણ નોટિસ ફટકારશે ?

- text