મોરબીના ધંધાર્થીને ઠગનાર આંતરરાષ્ટ્રીય ગેંગના બે શખ્સોને પંજાબથી ઉઠાવી લેતી એલસીબી

- text


 

ગેંગે એક્સપોર્ટની લાલચ આપી રૂ ૨૯ લાખનો ચુનો ચોપડયો હતો : સેંકડો પાસબુક અને સિમ કાર્ડ જપ્ત : એક નાઇજિરિયન સહિતના બે શખ્સોના નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ

મોરબી : મોરબીના ધંધાર્થીને ઠગનાર આંતરરાષ્ટ્રીય ગેંગના બે શખ્સોને એલસીબીએ પંજાબથી ઉઠાવી લીધા છે. આ ગેંગે મોરબીના ધંધાર્થીને એક્સપોર્ટની લાલચ આપી રૂ ૨૯ લાખનો ચુનો ચોપડયો હતો. હાલ બન્ને શખ્સો પાસેથી સેંકડો પાસબુક અને સિમ કાર્ડ જપ્ત કરાયા છે. એક નાઇજિરિયન સહિતના બે શખ્સોના નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં શાર્પ કોર્પોરેશન નામની ઓફીસ ધરાવી કેમીકલ્સ તથા રો મટીરીયલ્સ અને ટાઇલ્સનો ટ્રેડીંગનો ધંધો કરતા ફરીયાદી સાગરભાઇ પ્રાણજીવનભાઇ ભાડજા, રહે.મોરબી વાળાને ઇ-મેઇલ એડ્રેસ ઉપર પેસીફીસાઇન નેચરલ નટ્સ નામની કંપનીથી માલ ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેચાણ કરી વધારે કમાણીની લલચામણી અને લોભામણી સ્કીમો મળી હતી. જે સંદર્ભે તેઓએ અલગ અલગ તારીખોએ જુદા જુદા બેન્ક એકાઉન્ટોમાં અલગ અલગ રકમ મળી કુલ રૂા.૨૯,૫૮,૬૨૫/- ચંદીગઢ ખાતે આવેલ શર્મા એન્ટરપ્રાઇઝને મોકલી હતી. આ અંગે તેઓએ સાયબર ક્રાઇમ અંગેની અરજી કરેલ જે આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં.૦૨૧૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ રજીસ્ટર થયેલ છે.

આ અંગે એલસીબીની ટીમે બેંક એકાઉન્ટ ડીટેઇલ મેળવી બેંક એકાઉન્ટ સાથે લીંક મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી બાબતે તપાસ કરતા શર્મા એન્ટરપ્રાઈઝ વિરુધ્ધ પોર્ટલ ઉપર ઘણી બધી અરજીઓ પેન્ડીંગ હોય જેથી એક ટિમ બનાવી તપાસમા પંજાબ રાજ્યમા મોકલવામા આવેલ હતી.

મોરબી એલ.સી.બી.,ટેકનીકલ ટીમ દ્વારા પંજાબ લુધીયાણા ખાતે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીની તથા બેંક એકાઉન્ટ નંબરો બાબતે તપાસ કરતા આ ગુન્હો શોધી કાઢવામા સફળતા મળેલ અને ગુન્હામા સંડોવાયેલ અમાનઉલ્લામીયા ઉર્ફે રામદેવ શર્મા સ/ઓ અશગરઅલી અબ્દુલહક્ક અંસારી ઉ.વ.૨૫ રહે. લુધીયાણા મુળ. રહે. ઉસુનસરી નેપાળ તેમજ મહમદફીરદોશ ઉર્ફે રમેશકુમાર સ/ઓ મહમદઇસ્માઇલ રાજ મહમદ શેખ ઉવ.૩૦ રહે. હાલ લુધીયાણા મુળ રહે. બિહારવાળાને પકડી પાડવામાં આવ્યા હતા.

- text

પકડાયેલ બંને ઈસમોની પુછ-પરછ કરતા આરોપીઓ પોતાની સાચી ઓળખ છુપાવવાના હેતુથી “ રામદેવ શર્મા ” તથા “રમેશ કુમાર ” ના ખોટાનામ ધારણ કરી પોતાના બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ તથા ચૂંટણીકાર્ડ બનાવી તેમા પોતાનો જ ફોટો રાખી આ બનાવટી દસ્તાવેજ આધારે “ શર્મા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી તેમજ મોબાઇલફોન સીમકાર્ડ તથા અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટો ખોલાવી તેમાં નાણા જમા કરાવતા અને બેન્કમાં આ છેતરપીંડીથી જમા થયેલ રકમ વિડ્રોલ કરી તે રકમ રૂબરૂ તથા હવાલા મારફતે દિલ્લી મુકામે અનિતા વિજયકુમારને મોકલી આપતા અને આ તમામ કામગીરી બન્ને આરોપીઓ ઓસાશ નામની નાઇઝીરીયન વ્યકિતના કહેવા મુજબ કરતા હોવાનું પ્રાથમીક પુછપરછમાં જણાય આવેલ છે. જેથી પોલીસે અનિતા વિજયકુમાર રહે. સરસ્વતીવિહાર, હાઉસીંગબોર્ડ કલોની મકાન નં-૫૧૫, ચકકરપુર સેકટર-૨૮ની બાજુમાં, ગુડગાવ, હરિયાણા અને ઓસાશ નામની નાઇઝીરીયન વ્યકિત સામે પણ ગુનો દાખલ કર્યો છે.

આ કામે પકડાયેલ બન્ને આરોપીઓના નામ. કોર્ટથી દિન-૧૦ પોલીસ રીમાન્ડ મેળવી સમગ્ર રેકેટનો પર્દાફાસ કરવા આગળની તપાસ ચાલુ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ,PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, ડી.વી.કાનાણી, આર.એન.ભટ્ટ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી તથા વાંકાનેર સિટી, મોરબી સિટી એ ડિવી. પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

- text