- text
ઠેરઠેર રામ મંદિરોમાં પૂજા અર્ચના, રામઘુન, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા, સાંજે શહેરમાં વિહિપ સહિતના સંગઠનો દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે
મોરબી : મોરબીમાં આજે રામનવમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના પાવન અવસર નિમિતે મોટાભાગના રામ મંદિરોમાં દર્શન, પૂજા અર્ચના, હોમ હવન, રામઘુન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જો કે ઘુંટુ ગામે શોભાયાત્રા નીકળી હતી અને સાંજે શહેરમાં વિહિપ સહિતના સંગઠનો દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે.
રામનવમીના પાવન પર્વ ઉપર આજે સમગ્ર મોરબી પંથક રામમય બની ગયું હતું. મોરબી શહેર અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ભગવાન રામના મંદિરોને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં ભગવાન શ્રી રામ, સીતા માતા તેમજ લક્ષ્મણ અને ભગવાન હનુમાનજીની મૂર્તિને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો અને ઘજકા પતાકા તેમજ રંગબેરંગી રોશનીની ઝળહળાટ કરવામાં આવ્યો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તમામ રામજી મંદિરોમાં આજે ખાસ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી તેમજ રામધૂન ગાઈને લોકો દશરથ નંદનની ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા.
- text
મોરબીના ઘુંટુ ગામે આજે રામનવમી નિમિતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભગવાન શ્રી રામનો જયજયકાર કર્યો હતો. જ્યારે આજે સાંજે મોરબી શહેરમાં વિશ્વ હિન્દૂ પરિષદ સહિતના ધાર્મિક સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આ ઉપરાંત આખો દિવસ મોટાભાગના રામ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો થકી ભગવાન રામના ગુણગાન કરવામાં આવશે.
- text