- text
ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવતા કાંતિભાઈ અમૃતિયાએ પરિણામો અંગે વિશદ ચર્ચા કરી
મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્યે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવતા કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત દરમિયાન ચૂંટણીના પરિણામો અંગે વિશદ ચર્ચા કરી હતી.
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દિલ્હી મુકામે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ ગુજરાતનું ગૌરવ અને પોતાના હાસ્ય પ્રવચનથી સૌના ચહીતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સાથે દિલ્હી મુકામે શુભેચ્છા મુલાકાત કરી હતી. આમ, પૂર્વ ધારાસભ્યે દિલ્હીમાં રાષ્ટ્રીય અઘ્યક્ષ, કેન્દ્રીય મંત્રીઓ સહીતના નેતાઓની રૂબરૂ મુલાકાત કરી ચર્ચા-વિચારણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોંપેલી જવાબદારીમાં અવધ ક્ષેત્રના હરદોઈ જીલ્લાની તમામ 8 (આઠ) બેઠકો પર ભાજપના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો. જે પૈકીના એક મહાનુભાવ ઉત્તરપ્રદેશ મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હતા.
આથી, ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરિણામો બાદ કાંતિભાઈ અમૃતિયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્ર અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મત્સ્યોદ્યોગ મંત્રી રૂપાલા, આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતનાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ઉત્તરપ્રદેશના પરિણામો અંગે વિશદ ચર્ચા કરી હતી.
- text
- text