સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં “સ્વાતંત્ર્ય સંગ્રામમાં પત્રકારત્વનો ઇતિહાસ” અંગે સેમિનાર યોજાયો

- text


વક્તવ્યોમાં આઝાદીની ચળવળમાં દેશના, ગુજરાતના, સૌરાષ્ટ્રના દિગ્ગજ પત્રકારોએ આપેલા પ્રદાનનો ઉલ્લેખ કરાયો

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા “સ્વાતંત્ર્ય સંગ્રામમાં પત્રકારત્વનો ઇતિહાસ” વિષય પર સેમિનાર યોજાયો હતો.જેમાં આઝાદીની ચળવળમાં દેશના અને ગુજરાતના દિગ્ગજ પત્રકારોએ આપેલા પ્રદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત પદ્મ વિષ્ણુ પંડ્યા અને ‘‘ફૂલછાબ’’ના તંત્રી કૌશિકભાઇ મહેતાએ આપેલા ચાવીરૂપ વક્તવ્યો રાજકોટ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા ગત તા.24ના રોજ ‘‘સ્વાતંત્ર્ય સંગ્રામમાં પત્રકારત્વનો ઇતિહાસ’’ વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં જાણીતા કોલમીસ્ટ અને પદ્મ એવોર્ડ વિજેતા વિષ્ણુકુમાર પંડ્યા અને રાજકોટના જાણીતા દૈનિક ‘‘ફૂલછાબ’’ના તંત્રી કૌશિકભાઇ મહેતાએ ચાવીરૂપ વક્તવ્યો આપ્યા હતા.

વિષ્ણુકુમાર પંડ્યાએ તેમના વકતવ્યમાં આઝાદીની ચળવળમાં દેશના અને ગુજરાતના દિગ્ગજ પત્રકારોએ આપેલા પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો અને આઝાદી બાદના સમયમાં પત્રકારોએ સત્ય જાણવા અને સત્યને રજુ કરવા લીધેલી જહેમત પર વિશેષ ટીપ્પણી કરી હતી.વિષ્ણુ પંડ્યાએ માહિતી આપતા ઉમેર્યું હતું કે, ગુજરાતના સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, પોરબંદરના યુવા પત્રકાર છગન ખેરાજ વર્મા સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશમાં અનેક પત્રકારોએ લોહિયાળ ક્રાંતિના બીજ પત્રકાત્વના માધ્યમથી વાવ્યા હતાં. એ સમયે કઇ રીતે રુપિયા વગર અનેક પ્રકારના જોખમ ખેડીને અખબારો ચલાવાતા હતા. બ્રિટીશ સરકાર દ્વારા ક્રાંતિકારી અખબારોના તંત્રીને કઇ રીતે હેરાન પરેશાન કરવામાં આવતા , નોટીસ અપાતી, જેલહવાલે કરાતા, કાળાપાણીની સજા પણ થતી હતી. સ્વરાજમાં એ સમયે એવી જાહેરખબર આવી હતી કે ‘‘જોઇએ છે એક તંત્રી, વેતન- બે સૂકી રોટી, એક ગલ્સ ઠંડુપાણી, 10 વર્ષના કારાવાસની તૈયારી’’. આ રીતે એ સમયે આઝાદી માટે પત્રકારત્વ થતું હતું.વિષ્ણુભાઇએ ઉપસ્થિત પત્રકારોના પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા હતા.

- text

આ તકે સૌરાષ્ટ્રના સૌથી જુના અખબાર અને આઝાદી પહેલા પણ લોકજુવાળ ઉભો કરવામાં જેની અગત્યની ભૂમિકા હતી તે તત્કાલીન ‘‘સૌરાષ્ટ્ર’’ સાપ્તાહિક અને હાલના ‘‘ફૂલછાબ’’ના તંત્રી કૌશિક મહેતાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વનો ઇતિહાસ વર્ણવ્યો હતો. તેમણે દાદા નવરોજી, ઇશ્ર્વરામ દેસાઇ, નર્મદ, અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી વગેરેના પત્રકારત્વ થકી આઝાદીની ચળવળમાં યોગદાન વિશે વાત કરી હતી. આ ઉપરાંત સાંપ્રત સમયમાં માધ્યમોની બદલાયેલ ભૂમિકામાં તટસ્થપણે પત્રકાર તરીકેની ફરજો સંયમપૂર્ણ રીતે બજાવવા ઉભરતા પત્રકારોની શીખ આપી હતી.

સેમિનારનો હેતુ અને પ્રાસંગીક પ્રવચન ભવનના અધ્યક્ષ ડો. નીતાબેન ઉદાણીએ તેમજ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર યશવંત હિરાણીએ કર્યું હતું. જયારે આભારવિધિ તુષાર ચંદારાણાએ કરી હતી. તેમજ પત્રકારત્વ ભવનના પ્રો. ડો. જીતેન્દ્ર રાદડિયા સહિત અલગ અલગ ભવનના અધ્યક્ષ અને પત્રકારો, પત્રકારત્વના વિદ્યાર્થીઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા.

- text