નર્મદા નિગમના અધિકારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચલાવવાનો માળીયાના ખેડૂતોનો નિર્ધાર

- text


ખેડુત આંદોલન આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું : ગઈકાલે ખીરઈ સંપ સુધી પહોંચેલું પાણી આજે ફરી ઘટી જતાં આંદોલન ચાલુ રાખવાનો ખેડૂતોનો રણટંકાર

માળીયા (મી.) : માળીયાના 14 ગામોના ખેડૂતોએ થોડા દિવસો અગાઉ મહારેલી કાઢી માળીયા કેનાલ ખાતે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા. ત્યારે માળીયા નજીક નર્મદા કેનાલ ખાતે આજે ખેડૂત આંદોલન આજે છઠ્ઠા દીવસમાં પ્રવેશ્યું છે. જ્યારે ગઈકાલે માળીયાના ખીરઈ સંપ સુધી પહોંચેલું પાણી આજે ફરી ઘટી ગયું હતું. આથી ખીરઈ સંપ સુધી પૂરતા પ્રમાણમાં પાણી ન પહોંચે તેમજ નર્મદા નિગમના અધિકારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચલાવવાનો માળીયાના ખેડૂતોનો નીર્ધાર કર્યો છે.

માળીયા નજીક નીકળતી નર્મદા કેનાલમાંથી પિયત માટે પાણી મેળવતા માળીયા તાલુકાના 14 ગામોના ખેડૂતોએ સિંચાઇ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. જેમાં આ ખેડૂતોએ અનેક વખત સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ સિંચાઇ મુદ્દે રજુઆત કરી હતી. છતાં સરકાર કે સિંચાઇ વિભાગ પણ નર્મદા કેનાલમાંથી પાણી આપવાની કોઈ દરકાર ન કરતું હોવાથી થોડા દિવસો અગાઉ ખેડૂતોએ પાક બચાવવા પાણી આપો તેમજ કમાઉ દીકરો કપાસ જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો હોય તેને બચાવવા પાણી આપો તેવા નારા તેમજ બેનરો સાથે માળીયાના ઘાટીલા ગામેથી મહારેલી કાઢી કેનાલ કાંઠે ઉપવાસી છાવણી નાખી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.

- text

આજે ખેડૂત આંદોલન છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે.જેમાં 11 ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે અને બીજા અન્ય ખેડૂતો સમર્થનમાં ઉપવાસી છાવણીએ બેઠા છે. ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ જણાવ્યું હતું કે, ગતમોડી રાત્રે માળીયાના ખીરઈ સંપ સુધી નર્મદા કેનાલનું પાણી પહોંચી ગયું હતું. જો કે વરસાદ બંધ થતાં અને કેનાલમાં આગળના મશીનો બંધ થતાં આ પાણી પહોંચ્યું હતું. પરંતુ આજે સવારથી ફરી પાણી ઘટી ગયું છે. આમ પાણી ઓછું થવા લાગતા આંદોલન ચાલુ જ રહેશે. તેમજ નર્મદા નિગમના અધિકારીની બેદરકારીને કારણે પાણી ન પહોંચતું હોવાનો આક્ષેપ કરી આ અધિકારી સામે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી ખેડૂતોએ લડી લેવાનો મૂડ અખત્યાર કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text