ખાતરનો ભાવવધારો પરત ખેંચવા વડાપ્રધાનને લેખિત રજુઆત કરતા ધારાસભ્ય પરસોતમ સાબરીયા

- text


કોરોના કાળમાં ખેડૂતોની સ્થિતિ દયનીય હોવાની રજુઆત : સરકાર પ્રત્યે રોષ હોવાનો પણ એકરાર

હળવદ : તાજેતરમાં ખાતરના ભાવમાં કમરતોડ વધારો કરવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથેસાથે આ ભાવવધારાથી ખેડૂતોને આવનાર દિવસોમાં ખેતી કરવી પણ મુશ્કેલ બની જશે. ત્યારે આ બાબતે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ વડાપ્રધાનને લેખિત રજૂઆત કરી ખેડૂતોના હિતમાં આ ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી છે.

ખાતરના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. જેથી, ખેડૂતો માટે ખેતી કરવી મોંઘી બની ગઈ છે. ત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં ૫૦૦થી ૭૦૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવતા ખેડૂતોએ ખેતી કરવી કપરી બની છે. વધુમાં, ખેડૂતોની ખેતીમાં ખર્ચ કરવાની મર્યાદા હોય છે અને આ ભાવમાં ખાતર મળવાથી ખેડૂત પૂરતું ખાતર પાકને આપી શકશે નહીં. જેની સીધી અસર તેના ઉત્પાદન પર પડશે અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. તદુપરાંત, ઉપજનો ભાવ પણ બજારમાં વ્યાજબી નથી. જેથી, ખેડૂતોની આવક બમણી નહિ પરંતુ ખર્ચ બમણો થઇ જશે તે હકીકત છે.

ભાવવધારા મામલે ધાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાસાયણિક ખાતરનો ભાવ વધારો થયેલ હોવાથી મત વિસ્તારના ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હાલ કોરોનાની મહામારીના કારણે મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ છે. તેને કારણે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે. ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે. જેથી, રાસાયણિક ખાતરના ભાવવધારા અંગે ફેર વિચારણા કરી ખેડૂતોના હિતમાં આ ભાવ પરત ખેંચવા માટે વિનંતી સહ ખેડૂતોની લાગણી આપના સુધી પહોંચાડું છું. વધુમાં, ધારાસભ્યે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં ભાવવધારો પાછો ખેંચવા મારી પણ લાગણી છે તો આ બાબતે યોગ્ય કરવા રજૂઆત કરાઈ છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો દ્વારા ચોમાસુ પાકના વાવેતર સહિતના કામો માટેની ખેડૂતો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવા સમયે રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરવાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. સાથેસાથે ખેડૂતોમાં પણ રોષ અતિ હોય પરંતુ કોરોનાની મહામારીને કારણે ખેડૂતો વિરોધ કરવા માટે રસ્તા ઉપર આવી શકતા નથી એ હકીકત છે.

- text