મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રએ કોરોનાના કેસની વિગતો જાહેર કરવાનું બંધ કર્યું, માત્ર આંકડાઓ જ જાહેર કરશે

- text


 

મોતના આંકડા પણ ઘટાડીને જાહેર કર્યા, અગાઉ 48 મોત હતા જે આજે 15 થઈ ગયા ! : આજના કુલ કેસ 16 થયા

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજથી કોરોનાના કેસની વિગતો જાહેર કરવાનું બંધ કરી દીધું છે. આજથી માત્ર આંકડાઓ જ જાહેર કરવામાં આવનાર છે. વધુમાં આરોગ્ય વિભાગે મોતના આંકડા પણ ઘટાડી દીધા હોવાનું ધ્યાને આવ્યું છે. આમ આરોગ્ય વિભાગ હાલની સ્થિતિનો ઢાંકપિછોડો કરવા ઇચ્છતું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.

મોરબી જિલ્લામાં અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીની ઉંમર અને સરનામા જાહેર કરવામાં આવતા હતા. જો કે આજ રોજ અચાનક માત્ર તાલુકા વાઇઝ નોંધાયેલા કેસોનો આંકડો જ જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે આરોગ્ય વિભાગને પૂછતા ઉપરથી સૂચના હોવાનું જણાવ્યું હતું. જો કે આજ રોજ જાહેર કરવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારી વિગતો પણ ધ્યાને આવી છે. ગઈકાલે આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં જિલ્લામાં 48 દર્દીઓના કોરોનાથી મોત થયા હોવાનું જાહેર કર્યું હતું. પરંતુ આજ રોજ જાહેર કરાયેલ વિગતમાં અત્યાર સુધીમાં 15 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું જાહેર કર્યું છે. આમ એક દિવસમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા ઘટી જતાં આશ્ર્ચર્ય થયું છે.

- text

આરોગ્ય વિભાગે જાહેર કરેલ વિગત મુજબ મોરબી તાલુકામાં આજરોજ 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આ સાથે વાંકાનેરના 2 અને હળવદના 2 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. ટંકારા તાલુકામાં એક પોઝીટીવ કેસ નોંધાયો છે. આમ આજના કુલ કેસ 16 થયા છે. જ્યારે 23 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લામાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા 830 થઈ છે. રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 553 થઈ છે. હાલ એક્ટીવ કેસ 229 થયા છે. જ્યારે મૃત્યુઆંક 48 (આજના રિપોર્ટમાં કુલ મૃત્યુ આંક માત્ર 15 દર્શાવેલ છે)થયો છે.

- text