- text
વાંકાનેર નગર પાલિકા સ્ટાફ દ્વારા કન્ટેઇન્ટમેન્ટ ઝોનના દરેક ઘરે આવશ્યક વસ્તુઓની કરાતી હોમ ડિલિવરી
વાંકાનેર : ગ્રીન ઝોન અને કોરોના મુક્ત થયેલા મોરબી જિલ્લાના વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જિલ્લા વહીવટી તંત્રએ વાંકાનેર દોડી જઈને કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે ઝડપથી તકેદારીના પગલાં લીધા હતા. જેમાં અરુણોદય સોસાયટીને કોર્ડન કરીને અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. આ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં લોકોને આવશ્યક જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી છે અને પાલિકાની ટીમ આ દરેક હોમ ક્વોરન્ટાઇન લોકોને સલામતી પૂર્વક જીવન જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડે છે.
વાંકાનેર નગરપાલિકાનો કુલ પાંચ વ્યક્તિઓનો સ્ટાફ સતત કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં હાજર રહે છે જેમાંથી બે વ્યક્તિઓ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં રહેતા પરિવારને જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓનું લિસ્ટ લેવાં તેમજ જરૂરી સામાન પહોંચાડવા માટે રાખવામાં આવ્યા છે તેમજ અન્ય બે લોકો લીસ્ટ મુજબ જરૂરી સામાન તેમજ શાક બકાલાની ખરીદી માટે કાર્ય કરી રહ્યા છે તેમજ એક વ્યક્તિ અન્ય જરૂરી કામ માટે સતત હાજર રહે છે. આ સમગ્ર કામગીરી વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાની નજર હેઠળ થઇ રહી છે.વાંકાનેર આરોગ્ય શાખા દ્વારા કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં આવતાં દરેક વ્યક્તિઓને સતત નિરીક્ષણ હેઠળ રખાયાં છે તેમજ જરૂરીયાત મુજબ લોકોને દવાનો જથ્થો આરોગ્ય શાખા દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે. વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
- text
તેમજ સોસાયટીની ફરતી બાજુ સતત પોલીસ પહેરો બેસાડવામાં આવેલ છે. આ ઉપરાંત વાંકાનેર મામલતદાર ઓફીસ સ્ટાફ તેમજ તાલુકા પંચાયત કચેરી સ્ટાફ પણ સતત અહિં ફરજ બજાવી રહ્યો છે. વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં સતત દેખરેખ રાખી હોમકવોરન્ટાઈન થયેલ વ્યક્તિઓને કોઈ તકલીફ ન પડે તે માટે નિરીક્ષણ કરી યોગ્ય હુકમો આપી રહ્યા છે અને આ સમગ્ર પરિસ્થિતિ પર અંકુશ રાખી રહ્યા છે.
- text