મોરબીના રેલ્વે સ્ટેશને શ્રમિકો માટેની સ્પે. ટ્રેન માટે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરાઈ

- text


શ્રમિકોને ટ્રેન મારફતે વતન પહોંચાડવા આયોજન અંતર્ગત ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી : શ્રમિકો માટે મંડપ અને સોશ્યલ ડિસ્ટન્સ, સેનીટાઇઝર સહિતની તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબી જિલ્લાના બહાર રાજ્યોના શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન મારફત વતનમાં પહોંચાડવાનું નક્કી થયા બાદ આ માટેની કામગીરીનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે. આગામી એક બે દિવસમાં મંજૂરી મળ્યા બાદ ટ્રેન મારફત શ્રમિકોને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ માટેની આગોતરી વ્યવસ્થા કરવા તમામ અધિકારીઓએ વચ્ચે બેઠક યોજાઇ હતી. તેમજ રેલવે સ્ટેશને શ્રમિકો માટે છાંયડો અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતની તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબીના શ્રમિકોને ટ્રેન મારફત વતન પહોંચાડવા માટેની સુવિધા ઉભી કરવાની આગોતરી વ્યવસ્થા અંગે આજે કલેકટર જે બી.પટેલ, એસપી ડો.કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોશી , ડીવાયએસપી, એ અને બી ડિવિઝનના પીઆઇ, ડે.કલેકટર ખાચર, મામલતદાર, આરએનબી, નગરપાલિકા સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશને પહોંચ્યો હતો અને શ્રમિકો માટે વ્યવસ્થા માટેની કામગીરી હાથ ધરી હતી. એક બે દિવસમાં ટ્રેનને મંજુરી મળ્યા બાદ શ્રમિકોને ટ્રેન મારફત વતન પહોંચાડવાની વ્યવસ્થાનું આયોજન કરાયું છે. તે અંગે આગોતરી વ્યવસ્થા કરવા શ્રમિકો માટે માંડવા નાખીને સામાજિક અંતર જળવાઈ રહે તે અંગે કામગીરી કરી હતી. રજિસ્ટ્રેશન કર્યા બાદ જે ટ્રેન આવશે તે ટ્રેનમાં શ્રમિકોને વતન જવા દેવાશે. આ માટે રેલવે સ્ટેશનને સેનિટાઈઝર કરવામાં આવ્યું હતું. તેમજ કલેકટર ,એસપી સહિતનાએ રેલવે મેનેજર જુણેજા સાથે બેઠક કરીને કામગીરીની સમીક્ષા કરી હતી. નગરપાલિકા તંત્રની સાથે પોલીસ તંત્ર દ્વારા ભીડ ન થાય તે માટે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે સીરામીક એસો. દ્વારા રજિસ્ટ્રેશન કરી એકઠા કરાયેલા મજૂરોના ડેટાના આધારે અને તેમની માંગણી મુજબ મજૂરો માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવાનું તંત્ર દ્વારા આયોજન કરાઈ રહ્યું છે.

- text