સેવા પરમો ધર્મ : લોકડાઉનના નવમાં દિવસે પણ સેવાયજ્ઞ અવિરત ચાલુ

- text


મોરબી : સમગ્ર દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનનો આજે નવમો દિવસ છે. ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાં લોકડાઉનના સતત નવમા દિવસે પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકો એ જરૂરિયાતમંદોની સહાય કરી માનવ ધર્મ નિભાવ્યો છે. તેમજ કોરોના સામેની જંગમાં ગરીબોની પડખે ઉભા રહી ‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કર્યું છે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અત્યાર સુધી 8500થી વધુ રાશન કિટનું વિતરણ કરવામાં આવી ચૂક્યું છે. તેમજ જલારામ પ્રાર્થના મંદિર, માનવ સેવા ગ્રુપ, જય અંબે સેવા ગ્રુપ, યુવા આર્મી ગ્રુપ, જલારામ મિત્ર મંડળ, કર્તવ્ય જીવ દયા ગ્રુપ, સંસ્કૃતિ અને યોગ ટ્રસ્ટ, ધ્રુવ ગ્રુપ, ભાજપ પરિવાર, ડીવાઇન ટ્રસ્ટ, સહિતની સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન અનેં રાશન કીટ વિતરણ કરવાનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.

જ્યારે મોરબી ટ્રાફિક PSI બી. વી. ઝાલાની આગેવાનીમાં સિટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા લાલપર, લીલાપર, રફાળિયા સહિતના જુદા-જુદા વિસ્તારોમાં ગરીબ બાળકોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉદ્યોગપતિ વિષ્ણુભાઈ પ્રજાપતિ, હસમુખભાઈ પ્રજાપતિ તથા હરિભાઈ પ્રજાપતિ દ્વારા અમરેલી રોડ પર આવેલી ફેકટરીના મજૂરોને તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને 40-45 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અત્યાર સુધી 900થી વધુ રાશનની કીટનું વિતરણ ટંકારા, લજાઈ, હડમતીયા, ધ્રુવનગર, ટોળ વિસ્તાર, નસીતપર, નાના રામપર, નાના મોટા ખીજડીયા, લધીરગઢ, જબલપુર, કલ્યાણપુર, અમરાપર સહિતના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ ગૌતમભાઈ વામજા, હિરેનભાઈ કકાસનિયા, કુલદીપ ચાવડા તથા રમેશભાઇ ખાખરીયા જોડાયા હતા.

ટંકારા તાલુકા પંચાયતની ઓફિસ પર 30 જેટલા મજુરનુ ટોળુ જમવા અને રાશનની ફરીયાદ સાથે આવ્યા હતા. હેડક્વાર્ટર પર રહેલા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ તેઓ તમામને બેસાડી તેમની ફરિયાદ સાંભળ્યા બાદ ભોજન કરાવ્યું હતું. તેમજ 15 દિવસ ચાલે એટલુ રેશન સ્થળ પર જ આપ્યુ હતું. તેમજ ટંકારા તાલુકાના ભરવાડ તથા મુસ્લિમ સમાજ દ્વારા હડમતિયા, લજાઈ, જબલપુર, સરાયા સહિતના ગામોમાં 5થી 6 દિવસ ચાલે તેટલા રાશન 50 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આશરે 500 જેટલા લોકોને એક ટંકનું ભોજન કરાવવામાં આવ્યું હતું.

મોરબીની નિર્મલ વિદ્યાલયના આચાર્ય ગોવિંદભાઇ કલોલા દ્વારા મોરબી SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ના કર્મચારીઓને ૩૦૦ બોટલ સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ સ્ટેશનના સ્ટાફને ૧૦૦ સેનેટાઈજર બોટલ, માસ્ક તથા હેન્ડ ગ્લોઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબીના ચેમ્પસ ગ્રુપના માલિક સંજયભાઈ આદ્રોજા દ્વારા 10,000 માસ્કનું વિતરણ કોરોના સામેની જંગમાં સતત ખડેપગે રહેનાર પોલીસ, નગરપાલિકા, હોસ્પિટલ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસના સ્ટાફને કરવામાં આવ્યું હતું.

- text

મોરબી સહીત વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા (મી.)માં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ પછાત વિસ્તારમાં તથા હોસ્પિટલોમાં જઈ જરૂરી સેવાઓ આપીને લોકડાઉન દરમિયાન પણ પોતાની નૈતિક ફરજ નિભાવી માનવતાને ઉજાગર કરી હતી.

- text