મોરબી અને માળિયા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતોના ટ્રેકટરના ઓજારો ચોરતી ગેંગ સક્રિય

- text


કુલ 40 જેટલી બેટરીઓ ચોરાયા બાદ ઘૂંટુમાં વધુ 3 ખેડૂતોના ઓજારોની ચોરી : એક પણ બનાવમાં ફરિયાદ ન નોંધીને માત્ર અરજીથી કામ ચલાવતી પોલીસ

મોરબી : મોરબી અને માળિયા પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં ટ્રેક્ટરની 40 જેટલી બેટરીઓની ચોરી થઈ છે. વધુમાં ઘુંટુ ગામમાં પણ ત્રણ ખેડૂતોના ટ્રેક્ટરના ઓજારો ચોરાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી ઓજારોની ચોરીના વારંવાર બનતા બનાવોથી સ્પષ્ટપણે કહી શકાય કે ખાસ ઓજારોને નિશાન બનાવતી ગેંગ સક્રિય થઈ છે.

મોરબી અને માળિયાના ગામોમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણકે વારંવાર ટ્રેકટરની બેટરી ચોરીના બનાવો બની રહ્યા છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં અંદાજે 40 જેટલી બેટરીઓ ચોરાઈ હોવાનું બન્ને પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં છેલ્લા 2 દિવસથી ઘુંટુ ગામના ત્રણ ખેડૂતોના રૂ. 12 હજારની કિંમતના ટ્રેક્ટરના ઓજારો ચોરાઇ ગયા છે. જો કે આ તમામ બનાવ અંગે પોલીસના ચોપડે કોઈ નોંધ થઈ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પોલીસ માત્ર અરજી લઈને તપાસ કરશું તેવા જવાબો ધરી દેતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

- text

ખેડૂતોના ટ્રેક્ટરોના ઓજારો ચોરી થવાના છાસવારે બનતા બનાવ જોતા ચોક્કસપણે કહી શકાય કે માળિયા અને મોરબી પંથકમાં એક એવી ગેંગ સક્રિય થઈ છે જે ખાસ ખેડૂતોના ટ્રેક્ટરના ઓજારોને જ નિશાન બનાવી રહી છે. હાલ પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

- text