નવા ડેલા રોડ પર પાણીની લાઈન તૂટતા વાહન ચાલકોને ભારે પરેશાની

- text


સતત પાણી ભરાઈ રહેવાથી નવા ડેલા રોડ પર ખાડાના અખાડામાં ફેરવાયો : અનેક રજુઆત કરવા છતાં ઉકેલ ન આવતા વેપારીઓમાં ભારે રોષ

મોરબી : મોરબીના નવા ડેલા રોડ ઉપર તંત્રના પાપે કપરી સ્થિતિ સર્જાઈ છે નવા ડેલા રોડ ઉપર પાણીની લાઈન તૂટી જતા પાણી વિતરણ સમયે રોડ ઉપર મોટી માત્રામાં પાણી વહેતુ હોવાથી પાણીનો બગાડ થાય છે. સાથેસાથે રોડની પણ ખરાબ દુર્દશા થઈ ગઈ છે. આથી વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. જો કે આ બાબતે અનેક રજુઆતો કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ ન આવતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે.

મોરબીના નવા ડેલા રોડની છેલ્લા ઘણા સમયથી ધોર દુર્દશા છે. જેમાં નવા ડેલા રોડ ઉપર સોરાષ્ટ્ હેર ડ્રેસરથી વિજય ટોકીઝના વણાંક પર છેલ્લા કેટલાક સમય પહેલા પાણીની લાઈન તૂટી ગઈ હતી. તેથી સવાર સાંજે પાણી વિતરણ થાય ત્યારે અહીં તૂટેલી પાણીની લાઈનમાંથી મોટી માત્રામાં પાણી રોડ ઉપર રેલમછેલ થાય છે અને નવા ડેલા રોડ ઉપર સતત પાણી ભરાયેલું રહે છે. જેથી રોડ ભંગાર હાલતમાં ફેરવાય ગયો છે. સતત પાણી ભરાય રહેવાથી નવા ડેલા રોડ પર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે.

- text

જો કે નવા ડેલા રોડ શહેરનો મુખ્ય માર્ગ છે અને અહીંના રોડની બન્ને બાજુએ અસંખ્ય દુકાનો આવેલી છે. ઉપરાંત આ માર્ગ ઉપર અસામાન્ય વાહન ઘસારો રહે છે પણ આ સમસ્યાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જો કે આ બાબતે અનેક રજુઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સ્થાનિક વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે.

- text