ટંકારા : જનતા રેડ દરમ્યાન પકડાયેલા પાણી ચોરોને 25 લાખનો દંડ ફટકરાયો

- text


લજાઈથી નસીતપર રોડ પર કુલ 14 ગેરકાયદે પાણીના મોટા કનેક્શનો પકડાયા હતા : ગ્રામજનોની જનતા રેડ બાદ પા.પુ. તંત્ર જાગ્યું : જોકે પોલીસ ફરિયાદને બદલે બાંહેધરી પત્ર લેવાયા

ટંકારા : લજાઈથી નસીતપર જતી નર્મદાની લાઇનમાંથી થતી પાણી ચોરી ઉપર જનતા રેડ દરમ્યાન 14 ગેરકાયદે પાણીના મસ મોટા જોડાણો ઝડપાયા હતા. એક એક વ્યક્તિએ બે થી વધારે કનેક્શનો લીધા હોવાનું સામે આવ્યું હતું. જેમાં લગભગ બધા જ કનેક્શનોના પાણીનો ઉપીયોગ ઔધોગિક એકમો માટે અને ખેતી માટે પણ કરાતો હતો. ગત સપ્તાહે નસીતપર ગ્રામજનોએ ગામમાં ઘણા સમયથી પાણીનો પ્રશ્ન સર્જાતા આ જનતા રેડ કરી હતી અને તમામ ગેરકાયદે જોડાણો કાપી નાખ્યા હતા ત્યારે મામલતદાર અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પણ ઘટના સ્થળે ઘસી ગયા હતા.

મોરબી પંથકમાં વરસાદ ખેચાતા પીવાના પાણીની પણ મુશ્કેલી ધીમે ધીમે વધતી જાય છે. ત્યારે જોગ આશ્રમ રોડ પર લજાઈથી નસીતપર જતી નર્મદાના પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ કરી ઉદ્યોગકારો અને ખેડૂતો પાણી ચોરી કરી રહ્યા હતા. ત્યારે નસીતપરના ગામ લોકોએ જનતા રેડ કરી ગેરકાયદે લીધેલા જોડાણને કાપી નાખ્યા હતા. મોરબીના આશ્રમ રોડ પર લજાઈથી નસીતપર જતી પીવાના પાણીની નર્મદા લાઈનમાં ગેરકાયદે જોડાણ કરેલ ૧૫-૨૦ જેટલા કનેક્સન લગાવતા નર્મદાનું પાણી નસીતપર ગામ સુધી પહોચતું ન હતું. આથી ગામ લોકોએ જનતા રેડ કરી આ વધારાના ગેર રીતે જોડેલ જોડાણ કાપી નાખેલ હતા.સાથે આ ઘટનાની જાણ થતા જ ટંકારા મામલતદાર પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે આ ગેરકાયદે રીતે જોડેલ જોડાણમાં કારખાનેદાર , ફાર્મ હાઉસ અને ખેતરમાં જોડાયેલા હતા. આમ મહામુલા પીવાના પાણીની ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું.

- text

હાલ પાણી પુરવઠા બોર્ડ દ્વારા 14 આસામીઓને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ થઈ છે જે પૈકી 4 આસામીઓને નોટીસની બજવણી થઈ ગઈ છે. બાકીનાઓને દંડની રકમ જણાવાઈ ગઈ છે. દરેક પાસેથી દંડની પુરી રકમના ચેક લેવાઈ ગયા છે. આમ છતાં હજુ એ ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યા નથી. મોરબી અપડેટ દ્વારા આ બાબતે ખુલાસો પૂછતાં પાણી પુરવઠા બોર્ડના એક જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે કયા આસામીએ કેટલા સમયથી ગેરકાયદે કનેક્શન મેળવ્યું હતું અને કેટલા પાણીનો ગેરકાયદે ઉપીયોગ કર્યો છે તે નસીતપર ગ્રામજનો, સરપંચ તેમજ ઉપસરપંચને સાથે રાખીને સ્થળ તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ ફાઇનલી દંડની રકમ નક્કી થયે નવો ચેક લેવામાં આવશે. હાલ આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પણ દરેક આસામીઓ પાસેથી નોટરી કરેલો બાંહેધરી પત્ર લેવામાં આવ્યો છે કે ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં નહિ આવે એવું મોરબી અપડેટ સાથેની વાતચીત દરમ્યાન પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું.

પાણી ચોરીમાં ઝડપાયેલા મધુર બેવરેજીસ, એરોમાં ફ્રેબ્રિક્સ, યોગી કૃપા પોલી.ફેબ.ઇન્ડ, એમ્પલ ફ્રેબ્રિક્સ, પ્રગતિ પોલી પ્લાસ્ટ, સદગુરુ પોલી ઇન્ડ, ગાંભવા ફાર્મ, શિવ ગૌ શાળા, લોરીયા ફાર્મ, ધાર્મી ટેકનો ફેબ, પર્લ પ્લાસ્ટ ઇન્ડ, ક્રિષ્ના ફ્રાઈમ્સ સહિતના યુનિટો પાસેથી હાલ તો દંડ સહિતની આશરે 25 લાખ રૂપિયાની કુલ રકમના ચેક લેવાયા છે ત્યારે હવે રીએસેસમેન્ટમાં કેટલી રકમ વસુલવામાં આવે છે તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે વર્ષોથી મુખ્ય પાણીની પાઇપલાઇનમાંથી પીવાના શુદ્ધ પાણીના ઔધોગિક હેતુ માટે કરાતા ગેરકાયદે ઉપીયોગ બાબતે તંત્ર તો સાવ અજાણ જ હતું પણ લાઈન પર ગોઠવેલી સુરક્ષા એજન્સી અને એના કર્મચારીઓની મિલીભગત વગર આ લાંબાગાળાથી પાણી ચોરી શક્ય ન હતી. નસીતપર ગામમાં પાણી આવતું બંધ ન થયું હોત તો આ પાણી ચોરીનું કૌભાંડ હજુ ચાલી રહ્યું હોત.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text