મોરબી : સીરામીક એકમોને બીજી કિલન માટે ગેસ પુરવઠો આપવા બાબતે ગેસ કંપની ડાંડાઈ

- text


40 કંપનીઓની બીજી કિલન (ભઠ્ઠી) માટે બે માસથી ગેસ પુરવઠો નહિ મળતા ઉત્પાદન અને એક્સપોર્ટમાં મુશ્કેલી : ગેસ કંપનીના ઉડાવ જવાબથી ઉધોગકારોની મુશ્કેલી વધી : તાકીદે ગેસ ચાલુ કરવા સીરામીક એસોની રજુઆત

મોરબી : મોરબીના 40 જેટલા સીરામીક એકમોમાં બીજી કિલન (ભઠ્ઠી) માટે બે માસથી ગેસ પુરવઠો નહિ મળતા ઉધોગકારોની મુશ્કેલી વધી રહી છે. આ મામલે ગેસ કંપનીએ સીરામક એકમોની બીજી કિલન (ભઠ્ઠી) ચાલુ કરવા માટે વધારાનો ગેસ આપવામાં ભારે દાંડાઈ કરતા ગેસના અભાવે સીરામીક કંપનીના 40 જેટલા એકમોના બીજી કિલન (ભઠ્ઠી) પાછલા બે માસથી બંધ પડી હોવાથી અડધું જ ઉત્પાદન થઈ શકતું હોવાથી મોટી નુકશાની વેઠવી પડે છે. ત્યારે સીરામીક એસોએ આ સીરામીક કંપનીઓમાં તાકીદે પુરે પૂરો ગેસ સપ્લાય ચાલુ કરવાની રજુઆત કરી છે.

મોરબીના 40 જેટલા સીરામીક એકમોમાં બે કિલન (ભઠ્ઠી) હોય એક કિલન (ભઠ્ઠી) માટે જ ગેસ પુરવઠો મળે છે. જ્યારે બીજી કિલન (ભઠ્ઠી) માટે બે માસથી ગેસ પુરવઠો મળતો નથી. આથી બીજી કિલન (ભઠ્ઠી) બંધ રાખવી પડતી હોવાથી અડધું જ ઉત્પાદન મેળવી શકાય છે. આથી ઓછા ઉત્પાદનને કારણે એક્સપોર્ટમાં ઉધોગકારોને મુશ્કેલી ભોગવવી પડે છે. આ અંગે સીરામીક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, બે મહિનાથી વાયદા પ્રમાણે પૂરતો ગેસ ન અપાતા 40 જેટલા એકમોમાં બીજી કિલન (ભઠ્ઠી) બે માસથી બંધ છે. આ દરેક કારખાનાઓમાં બે કિલન (ભઠ્ઠી) છે. એક ભઠ્ઠીમાં ગેસ મળે છે પણ બીજી કિલન (ભઠ્ઠી) માટે ગેસ મળતો નથી. જેના કારણે એક્સપોર્ટના અગાઉથી લીધેલા ઓર્ડરો પુરા કરવા મુશ્કેલ બન્યા છે. એક જ ભઠ્ઠીમાં થતું ઉત્પાદન એક્સપોર્ટના ઓર્ડરો પુરા કરી શકે એમ ન હોય ઉધોગકારો ભારે મુસીબતમાં મુકાઈ ગયા છે. આથી સીરામીક કંપનીઓને મોટી ખોટ સહન કરવી પડી રહી છે. ગેસ કંપનીને વારંવાર બન્ને ભઠ્ઠી માટે ગેસ ચાલુ કરવાની રજુઆત કરવામાં આવે છે છતાં પણ ગેસ કંપની કોઈપણ પ્રકારનો સકારાત્મક જવાબ આપતી નથી. આવા સંજોગોમાં આ કંપનીઓને ક્યારે પૂરો ગેસ મળશે તે હજુ નક્કી નથી થઈ રહ્યું. વધુમાં એસોસિયેશને જણાવ્યું હતું કે, ગેસના અભાવે 47 કંપનીઓમાંથી 6 કંપની તો સાવ બંધ જ થઈ ગઈ છે. સીરામીક કંપનીઓની આવી માઠી દશા હોવા છતાં ગેસ કંપની મનમાની ચલાવીને ઉધોગકારોની મુશ્કેલી વધારી રહી છે અને આ બાબતે સીરામીક એસો.એ ગુજરાત ગેસના ટોચના અધિકારીને રજુઆત કરીને 40 જેટલા સીરામીક એકમોમાં બીજી કિલન (ભઠ્ઠી) ચાલુ કરવા માટે ગેસ પુરવઠો પૂરો પડવાની માંગ કરી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આ કંપનીઓની બીજી કિલન (ભઠ્ઠી) માટે ગેસ પૂરો પાડવાનો ગેસ કંપનીએ ચોખ્ખી મનાઈ કરી છે. ઉધોગકારો બે માસથી આ બાબતે રજૂઆતો કરવા છતાં ગેસ કંપની મનમાની ચલાવી ઉધોગકારો સાથે ઉદ્ધત વર્તન કરે છે ત્યારે આજે આ બાબતે ગેસ કંપનીના સ્થાનિક અધિકારી સાથે વાત કરતા તેમણે ઉપરના અધિકારિઓ સાથે વાત કરવાનું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા.

- text

- text