રાજકોટ અને કચ્છ સંસદીય વિસ્તારનો જનાદેશ કાલે થશે જાહેર

- text


લોકસભા ચૂંટણીની મતગણતરીનો સવારે ૮ વાગ્યાથી પ્રારંભ : દરેક વિધાનસભા બેઠકમાંથી પાંચ- પાંચ વિવિપેટના મત ઇવીએમ સાથે સરખાવાશે, પરિણામ દર વખત કરતા અઢી કલાક મોડુ આવશે

મોરબી : રાજકોટ અને કચ્છ સંસદીય વિસ્તારનો જનાદેશ કાલે જાહેર થવા જઈ રહ્યો છે. આવતીકાલે ગુરુવારે લોકસભાની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ દરમિયાન દરેક વિધાનસભા બેઠકમાંથી પાંચ- પાંચ વિવિપેટના મત ઇવીએમ સાથે સરખાવવામાં આવશે. જેમાં કારણે પરિણામ દર વખત કરતા અઢી કલાક મોડું આવવાનું છે.

મોરબી જિલ્લો કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર લોકસભા વિસ્તારમાં વહેચાયેલો છે. જો કે હળવદ સુરેન્દ્રનગર બેઠકમાં જ્યારે આમરણ જામનગર બેઠકમાં આવે છે. ટંકારા અને વાંકાનેર બન્ને તાલુકા રાજકોટ બેઠકમાં જ્યારે મોરબી અને માળિયા બન્ને તાલુકા કચ્છ બેઠકમાં આવે છે. આમ મોરબી જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર કચ્છ અને રાજકોટ સંસદીય ક્ષેત્ર સાથે જોડાયેલો છે.

રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના મોહનભાઇ કુંડારિયા અને કોંગ્રેસના લલિતભાઈ કગથરા વચ્ચે જ્યારે કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદભાઈ ચાવડા અને કોંગ્રેસના નરેશભાઈ મહેશ્વરી વચ્ચે જંગ છે. ગત તા. ૨૩ એપ્રિલના રોજ બન્ને બેઠકો ઉપર મતદાન થઈ ગયું હતું. ત્યારે પ્રજાએ પોતાનો જનાદેશ આપી દીધો હતો. હવે આ જનાદેશ આવતીકાલે ગુરુવારે મતગણતરી બાદ જાહેર થવાનો છે.

- text

રાજકોટ અને કચ્છ બન્ને સંસદીય બેઠકના મતગણતરી કેન્દ્રો ઉપર કાલે સવારે ૮ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટમાં મત ગણવામાં આવશે. ત્યારબાદ ૮:૩૦ વાગ્યા થી ઇવીએમ મશીનના મતની ગણતરી શરૂ કરવામાં આવશે.

ચૂંટણી પંચના આદેશ મુજબા લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા બેઠક વાઇઝ પાંચ – પાંચ વિવિપેટ મશીન રેન્ડમલી સિલેક્ટ કરીને તેના મતની ઇવીએમ મશીન સાથે સરખામણી કરવામાં આવનાર છે. આ પ્રક્રિયાના કારણે દર વખત કરતા આ વખતે પરીણામ અઢી કલાક મોડું જાહેર થશે.

આવતીકાલે મતગણતરી બાદ બન્ને બેઠકનુ પરિણામ જાહેર થવાનું છે. છેલ્લા એક મહિનાથી લોકસભાના પરિણામની ઉત્સુકતા થી રાહ જોવાઈ રહી હતી. અંતે આ ઉત્સુકતાનો કાલે અંત આવશે. અને દિલ્હીના દરબારમાં કોણ જાશે તે જાહેર થશે.

- text