વાંકાનેરના ભેરડા ગામે ધીંગાણાં મામલે સામસામી ફરિયાદ

- text


ઢોર ચરાવવા બાબતે મારામારી બંને જૂથના છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામે વાડીમાં ઢોર ચરાવવા બાબતે ધીંગાણું થતાં આ જૂથ અથડામણમાં બન્ને પક્ષે છ ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા અને વાંકાનેર તાલુકા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ ભેરડા ગામે રહેતા ફરિયાદી વિનોદભાઈ લવજીભાઈ ઉંમર વર્ષ ૩૫ એ ફરિયાદ કરેલ કે આરોપી દિનેશ જાલાભાઇ, વજાભાઈ રાઘવભાઈ, છગનભાઈ નો છોકરો, જાલા નાગજી, કુંવરા રાઘવ, મોમભાઈ હકાભાઈ, જગાભાઈ પરસોતમભાઈ જાતે બધા ભરવાડ રહે ભેરડા એ ઢોર ચરાવવા આવતાં ફરીયાદીની વાડીમાં તેમના માલઢોર આવી જતાં ફરિયાદીએ ઢોરને બહાર કાઢવાનું કહેતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી કહેલ કે હમણાં ખબર પડશે તેમ કહી ફોન કરી તેમના ભાઈઓને બોલાવી સાહેદ રાજુભાઈને મારી નાખવાના ઇરાદે ખૂની હુમલો કરી માથામાં ઇજા કરી અને સાથે ધીરુભાઈને સામાન્ય ઇજા કરી ફરિયાદીને લાકડી વડે માર મારતાં બધા આરોપીઓએ એક સંપ કરી ગુન્હો કરેલ આ બાબતે ફરિયાદ આપતાં તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી તપાસ આરંભી છે.

સામા પક્ષે ફરિયાદી વજાભાઈ રાઘવભાઈ મુંધવા જાતે ભરવાડ ઉંમર વર્ષ ૨૩ રહે. ભેરડાએ આરોપી વિનોદ લવજી ગોરીયા, રાજુ લવજી ગોરીયા, ધીરુ રાજુભાઈ ગોરીયા, જાતે કોળી રહે બધા ભેરડા પર ફરિયાદ કરેલ કે ફરિયાદી તેમના માલઢોર ચરાવતાં હોય ત્યારે આરોપીએ ગાળો આપી અને તેમના ભાઈઓએ ફરિયાદીને ગાળો આપી ફરિયાદીને લોખંડનો પાઈપ માથામાં મારતાં ફરિયાદીને લોહી નીકળતા ઇજા થતા તથા સાહેબ દિનેશને હાથમાં ઈજા કરતાં ગુન્હો કરેલ હોય વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ આરંભી છે.

- text

ઉપરોક્ત બનાવ બાદ આ બનાવ સંદર્ભે ભેરડા ગામના પાદરમાં પણ માથાકૂટ થયેલ જેમાં ફરિયાદી ભીખાભાઈ નાગજીભાઈ મુંધવા જાતે ભરવાડ ઉંમર વર્ષ ૫૦ એ આરોપીઓ સુરેશ નરશી ગોરીયા, દેવા નરસી ગોરીયા, મુના છગન ગોરીયા, રમેશ મોહન રોજાસરા, મનસુખ દેવસી રોજાસરા, નરસિંહ વાઘજી રોજાસરા એ બધાએ એક સંપ કરી આરોપીના કુટુંબ સાથે માથાકૂટ ઝઘડો થયેલ જેનો ખાર રાખી આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદને લોખંડના ધારિયાવડે ડાબા હાથની ટચલી આંગળીમાં ઈજા કરેલ અને લાકડી વડે માથામાં માર મારી હાથ પગ પર ઇજા કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. જે બાબતે ફરિયાદ મુજબ આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) જીપીએકટ ૧૩૫ મુજબ નોંધાઈ છે.

આમ વાંકાનેર તાલુકાના નાના એવા ભેરડા ગામે નાની એવી વાતમાં મારામારી થતાં ગામમાં તંગદિલી છવાઈ ગયેલ અને વાંકાનેર સિવિલ હોસ્પિટલે બંને જૂથના માણસો ભેગા થવા લાગતા વાંકાનેર તાલુકા પીએસઆઇ જી.આર. ગઢવી દ્વારા તાત્કાલિક આગમચેતી રૂપે પગલાં ભરી વાંકાનેર સિવિલ હોસ્પિટલ અને ભેરડા ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી ગામોમાં શાંતિ સ્થપાઈ અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે પ્રસંશનીય પગલાં ભરેલ હતા.

- text