મોરબીના બહાદુરગઢ અને સોખડા ગામનો પાક વીમો મંજુર કરવા ખેડૂતોની કલેકટરને રજુઆત

- text


જૂથ સેવા સહકારી મંડળી હેઠળના ચાર ગામો પૈકી બે ગામનો મગફળીનો પાક વીમો મંજુર કરતા બાકીના બે ગામના ખેડૂતોમાં અન્યાય થયાની લાગણી

મોરબી : મોરબીની જુના નાગડાવાસ જૂથ સેવા સહકારી મંડળી હેઠળના ચાર ગામ પૈકી બે જ ગામનો ગત વર્ષનો મગફળીનો વીમો મંજુર કરવામાં આવતા બાકીના બે ગામ બહાદુરગઢ અને સોખડા ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બહાદુરગઢ અને સોખડા ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી તાલુકાની જુના નાગડાવાસ જૂથ સેવા સહકારી મંડળી હેઠળ જુના નાગડાવાસ, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા ગામ આવે છે. પરંતુ જુના નાગડાવાસ ગામને ૮૧ ટકા અને નવા નાગડાવાસ ગામને ૮૩ ટકા મગફળીનો પાક વીમો ૨૦૧૭ની સાલનો મંજુર કરવામાં આવ્યો હતો. જ્યારે એક મંડળીના કાર્યક્ષેત્રમાં આવતા બહાદુરગઢ અને સોખડા ગામને ગત વર્ષનો મગફળી પાક વીમો મંજુર ન કરીને અન્યાય કરવામાં આવ્યો છે.

- text

ગત વર્ષે થયેલી અતિવૃષ્ટિને કારણે મગફળીનો પાક સંપુર્ણપણે નાશ પામ્યો હતો. જેનું પંચરોજ કામ બન્ને ગામના ગ્રામ સેવક અને તલાટી મંત્રીએ ગામના પંચોની રૂબરૂમાં કર્યું હતું. જ્યારે ગત વર્ષે આ બન્ને ગામોમાં મગફળીનો પાક બળી ગયો હતો. અને માળિયાથી  આ બંન્ને ગામ આશરે ૭ થી ૮ કીમી દૂર હોય તેમજ એક જ જૂથ હેઠળ આવતા હોવા છતાં આ બન્ને ગામોને મગફળીનો પાક વીમો મંજુર ન કરીને ભારે અન્યાય કર્યો છે. તેથી બન્ને ગામોનો પાક વીમો તા. ૧૦ સપ્ટેમ્બર સુધી મંજુર કરવા માટે યોગ્ય નિર્ણય નહિ લેવાય તો બન્ને ગામના ખેડૂતોએ આજીવન ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

- text