- text
ખરેખર આ મશીનોનો ઉપયોગ થશે કે પાલિકાની જેમ વણવપરાયેલા રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું
મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરજ પર અનિયમિતતા દાખવતા કર્મચારીઓ પર વોચ રાખવા માટે બે હાજરી મશીન મુકવામાં આવ્યા છે. હાલ આ મશીનો સજ્જ કરી દેવામાં આવ્યા છે. અને તેનો પ્રાયોગિક પ્રારંભ કરી દેવાયો છે.પરંતુ તેનો વિધિવત પ્રારંભ ૧ મેં થી કરવામાં આવશે.
મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં બે ફેસ ડિટેક્ટર હાજરી મશીન મુકવામાં આવ્યા છે. કલેક્ટર કચેરીના કર્મચારીઓ ફરજ પર આવવામાં અનિયમિત તેમજ ગુટલી મારતા હોય તેવી ફરિયાદ ઉઠવા પામી હતી. જેથી કર્મચારીઓ ની અનિયમિતતા પર વોચ રાખવા માટે બે હાજરી મશીનો મુકવામાં આવ્યા છે. આ અંગે અધિક કલેક્ટરે કહ્યું કે આ હાજરી મશીનનો અત્યારે પ્રાયોગિક ધોરણે અમલ ચાલુ છે. ૧લી મે થી તેનો વિધિવત અમલ શરૂ થશે. આ મશીનમાં કર્મચારીઓની હાજરી પુરાશે. સમયાંતરે ચેકીંગ વખતે કર્મચારી ગેરહાજર માલુમ પડશે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
- text
અત્રે ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરીએ મુકવામાં આવેલા હાજરી મશીનોની નગરપાલીકા કચેરી જેવી હાલત થશે કે પછી ખરેખર આ મશીનનો સાચી રિતે ઉપયોગ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પાલિકા કચેરીમાં પણ આ પ્રકારે બે મશીનો મુકવામાં આવ્યા હતા. પરંતુ એક મશીન ભેદી રીતે ગુમ થયા બાદ બીજું મશીન ચીફ ઓફિસરની ચેમ્બરમાં મૂકી દેવામાં આવ્યું હતું. આમ પાલિકામાં મુકાયેલા બન્ને મશીનોનો હાલ કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી.
- text