- text
પંથકમાં મસમોટા પ્રમાણમાં ખાણ ખનીજ વિભાગની હાજરીમાં થતી રેતી ચોરી : સરકારી બાબુઓ ઘુટણીયે
હળવદમાં મોરબી ચોકડી પર ખાણ ખનિજ વિભાગના સિક્યુરિટી ગાર્ડે ગત રાત્રી દરમિયાન રેતી ભરેલાં ડમ્પરને અટકાવવા જતાં ડમ્પર ચાલકે કચડી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં અંગે ગાર્ડ દ્વારા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
હળવદ તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે. રાતોરાત ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને નુકશાન પહોચાડી ભૂમાફિયાઓ તગડી રકમ કમાતા હોય છે. ત્યારે હળવદ તાલુકાના મયુરનગર, મિયાણી, ધનાળા ટીકર સહિતની નદીમાં ઘણા સમયથી તંત્રને સંતાકુકડી રમાડીને ભુમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે.ત્યારે ગતરાત્રીના મોરબી ચોકડી પર રેતી ભરેલા ડમ્પરને મોરબી ખાણ ખનિજ વિભાગના સિક્યુરિટી ગાર્ડએ ડમ્પરને અટકાવવા જતાં ડમ્પર ચાલકે સિક્યુરિટી ગાર્ડને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સિક્યુરિટી ગાર્ડએ સમય સૂચકતાથી પોતાની જાન બચાવી હતી.
આ ઘટના દરમિયાન સિક્યુરિટી ગાર્ડ દ્વારા રાત્રીના બનાવ બાબતે જીલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓના ફોન રણકાવ્યા હતાં પરંતુ હપ્તાખોર અધિકારીઓના ફોન રીસીવ ન થતાં સામાન્ય સિક્યુરિટી ગાર્ડ પણ મુઝવણમાં મુકાયા હતા. આ સમગ્ર બનાવ મામલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
- text
હળવદ પંથકમાં થતી બેફામ રેતી ચોરીથી તંત્ર હરકતમાં આવતા ધનાળા, મયુરનગર સહિતના ગામોમાં જિલ્લા ખનીજ વિભાગની સુચનાથી સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરાયા છે ત્યારે ગત મોડી રાત્રે સિક્યુરિટી ગાર્ડને કચડી નાખવાનો નિષ્ફળ પ્રયાસ થતાં સમગ્ર પંથકમાં રેતમાફિયાનો હોલ્ટ મહદઅંશે વધી જવા પામ્યો હોય તેમ આ ઘટના પરથી ફલિત થાય છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદના ધનાળા ગામમાં ૩૭,૩૬૧ મે.ટન જયારે મયુરનગર ગામનાં વિવિધ સર્વે નંબરમા ૨,૭૯,૧૭૨ મે.ટન રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો જેની ગુરુવારે જાહેર હરરાજી રાખવામાં આવી હતી પરંતુ માથાભારે રેત માફીયાઓને ડરથી કોઈપણ ખરીદદારો રેતી લેવાની હિમંત દર્શાવી ન હતી.
ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાશે : ઈન્ચાર્જ અધિકારી
આ અંગે મોરબી જીલ્લા ખાણ ખનિજ વિભાગના ઈન્ચાર્જ અધિકારી એન.કે.દવેનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે બનેલી ઘટના મામલે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની સુચના સિક્યુરિટી ગાર્ડને આપી દેવામાં આવી છે.
- text