મોરબીમાં શનાળા રોડ પરની શિવમ સોસાયટીમાં પાણીનો પોકાર: ૨૦ દિવસથી પાણી વિતરણ બંધ

- text


રોષે ભરાયેલી મહિલાઓએ નગરપાલિકા કચેરીએ દોડી જઈને ચીફ ઓફિસર સમક્ષ હૈયાવરાળ ઠાલવી
મોરબી: મોરબીના શનાળા રોડ પરની શિવમ સોસાયટીમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. સ્થાનિક પાણી વિતરણ વ્યવસ્થા ડખ્ખે ચડતા આ સોસાયટીમાં ૨૦ દિવસથી પાણી મળ્યું નથી. જેથી મહિલાઓ રોષે ભરાઈને નગરપાલિકા કચેરીએ દોડી ગઈ હતી અને ચીફ ઓફિસર સમક્ષ પાણી પ્રશ્ને ભોગવવી પડતી હાલાકીની હૈયાવરાળ ઠાલવી હતી.

શિવમ સોસાયટીની મહિલાઓનું ટોળું પાણી પ્રશ્ને રજુઆત કરવા નગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું. મહિલાઓએ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની શિવમ સોસાયટીમાં ૩૦ મકાનો આવેલા છે. ટેક્નિકલ ક્ષતિના કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા શિવમ સોસાયટીમાં ૨૦ દિવસથી પાણી આવ્યું નથી. સોસાયટીમા નર્મદાની પાઇપલાઇન માંથી પાણી આપવામાં આવે છે. જોકે આજુબાજુની સોસાયટીમાં પાણી આવે છે. પરંતુ એકમાત્ર શિવમ સોસાયટીમાં જ પાણી આવતું નથી. જેથી મહિલાઓને ના છૂટકે પાણી વેચાતું લેવું પડે છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે પાણી વેચાતું લેવું પડતું હોવાથી પીવાના પાણી માટે દૈનિક રૂ. ૭૦૦ અને વાપરવાના પાણી માટે રૂ.૫૦૦નો ખર્ચ કરવો પડે છે. ત્યારે પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં આવે તેવી માંગ છે. આ અંગે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું કે શિવમ સોસાયટીમાં વાલ્વનો પ્રશ્ન છે. ટૂંક સમયમાં વાલ્વ મુકાઈ જશે એટલે પાણી પ્રશ્ન હલ થઈ જશે.

 

- text