- text
નરાધમોએ સગીરાને છરી બતાવી ધમકી આપી આચર્યું દુષ્કર્મ : જાનથી મારી નાખવાની ધમકી આપી ઇજાઓ પહોંચાડી
હળવદ : હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતી સગીરા પર એક રીક્ષા ચાલક સહિતના ત્રણ શખ્સોએ છરીની અણીએ બળજબરીથી સામુહિક દુષ્કાર્મ આચરતા હળવદ પંથકમાં સનસનાટી મચી જવા પામી છે, આ ચોકવનારી ઘટના મામલે પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય નરાધમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
હળવડમાં ઘટેલી આ ચોકવનારી અને ધૃણાસ્પદ ઘટનાની વિગતો જોઈએ તો હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહી સાડી વેચવાનો ધંધો કરી ગુજરાન ચલાવતા મહિલાએ આજે હળવદ પોલીસ મથકમાં પોતાની સગીર પુત્રી પર સંજય રાઘુ કોળી તથા રવિ, રે.બન્ને ભવાની નગર ઢોરો તથા એક અજાણ્યા રિક્ષાચાલકે મળી છરીની અણીએ સામુહિક દુષ્કર્મ આચરી સગીરાને પછાડી દઈ માથાના ભાગે ઇજાઓ પહોંચાડતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
- text
બનાવ ની વિગત મુજબ આરોપી સંજય, રવિ અને અજાણ્યા રિક્ષાચાલકે સગીરાને બળજબરીથી ઉઠાવી જઇ હાઇવે પર આવેલી હરીદર્શન હોટલની પાછળના ભાગે કેનાલ નજીક જાડીઓમાં લઇ જઇ છરીની અણીએ ત્રણેયે દુષ્કર્મ ગુજાર્યું હતું અને જો આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરા ગભરાઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઘટેલી આ અરેરાટી જન્માવે તેવી આ ઘટનામાં આજે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ મામલે હળવદ પીઆઇ એમ.આર.સોલંકીએ આ ગંભીર બનાવ મામલે આરોપી સંજય રાઘુ કોળી, રવિ તેમજ અજાણ્યા રીક્ષાચાલક વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૬ (૨), ૩૬૩, ૩૭૬ (ડી) તેમજ પોકસો અધિનિયમ ૨૦૧૨ કાયદાની કલમ ૪, ૬ અને ૧૬ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા પોલીસ ટીમોને કામે લગાડી છે.
- text