તો…મોરબી-માળીયા અને વાંકાનેર બેઠક માટે બબ્બે બેલેટ યુનિટ મુકવા પડશે

- text


આજે ઉમેદવારીપત્રોની ચકાસણી:૨૪મીએ મોરબી જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.

મોરબી:આગામી ૯ ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસ સુધીમાં મોરબી જિલ્લાની મોરબી અને વાંકાનેર બેઠક ઉપર ઉમેદવારોનો રાફડો ફાટતા ઇવીએમમાં બબ્બે બેલેટ યુનિટ મુકવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે ૨૪મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ૨૪મી સાચું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને જિલ્લાની ત્રણ બેઠકોમાં કુલ મળી ૬૨ ઉમેદવારો ચૂંટણીના રણમેદાનમાં આવ્યા છે જેમાં વાંકાનેર બેઠકમાં સૌથી વધુ ૨૫ અને મોરબી-માળીયા બેઠકમાં ૨૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ટંકારા બેઠકમાં ૧૬ ઉમેદવારો મેદાને છે.

- text

દરમિયાન આગામી ૯ ડિસેમ્બરે ઇવીએમના માધ્યમથી ચૂંટણી યોજાનાર હોય એક ઇવીએમ મશીનના બેલેટ યુનિટમાં ફક્ત ૧૬ ઉમેદવારોના જ નામ રહી શકે છે તે જોતા જો વાંકાનેર અને મોરબી-માળીયા બેઠક ઉપર જો ૨૪ મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે જો કોઈ ઉમેદવાર ફોર્મ પાછા ન ખેંચે તો ચૂંટણી તંત્રને બન્ને બેઠકો માટે બબ્બે બેલેટ યુનિટ લગાડવા પડશે.

દરમિયાન આજે ત્રણેય વિધાનસભા બેઠકોમા રિટર્નીગ ઓફિસર દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને ૨૪ મીએ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય શુક્રવારે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનુ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.

- text