મોરબી-કચ્છ હાઇવે ઉપર પદયાત્રિકોનો ધસારો

- text


દર બે કિમીએ ધમધમતા પદયાત્રી સેવા કેમ્પ

મોરબી : જય માતાજીના દિવ્ય ઘોષ સાથે મોરબી-કચ્છ હાઇવે ઉપર માં આશાપુરના ધામ ખાતે પગપાળા દર્શને જતા પદયાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે, દરરોજ હજારો પદયાત્રિકો આસ્થાભેર માતાના મઢ તરફ પ્રયાણ કરી રહ્યા છે.
નવરાત્રી દરમિયાન કચ્છ ખાતે આવેલ માં આશાપુરા માતાજીના મંદિરે પગપાળા દર્શને જવાનું મહત્વ વધજ રહ્યું છે. દરવર્ષે ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં પદયાત્રિકો પડયાત્રાની શરૂઆત કરી પહેલા નોરતે માં આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે, ચાલુ વર્ષે ૧૦ સપ્ટેમ્બરથી પગપાળા યાત્રા શરુ થઈ છે અને જેમ-જેમ નવરાત્રીના દિવસો નજીક આવે તેમ-તેમ પગપાળા માતાના મઢ જતા યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
મોરબી-કચ્છ હાઇવે પર ઠેર-ઠેર પદયાત્રિકો પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે, જામનગર, રાજકોટ, મોરબી, વાપી, મુંબઇ, નવસારી અને સુરત સહિતના શહેરોમાંથી લોકો પગપાળા, સાયકલ લઈને અને કેટલાક માઈભક્તો તો દંડવત પ્રણામ કરતા કરતા માતાના દરબારમાં પ્રયાણ કરે છે.
મોરબીથી માતાના મઢનું અંતર ૩૫૦ કિલોમીટર છે, પરંતુ પદયાત્રિકો ગુજરાત જ નહીં પરંતુ તામિલનાડુ જેવા રાજ્યોમાંથી પદયાત્રા કરી માતાના મઢ રહ્યા છે અને હજારો કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરવા છતાં પણ મોઢા પર થાકનો જરાય અણસાર દેખાતો નથી કારણકે પદયાત્રીકોમાં માતા આશાપુરા પ્રત્યે અપાર શ્રદ્ધા છે.
ઘણા પદયાત્રિકો તો અશક્ત અને વૃદ્ધ હોવા છતાં જેમ જુસ્સા સાથે ચાલતા જોવા મળે છે, દરરોજ ૩૦થી૪૦ કિમીનું અંતર કાપતા કેટલાક પદયાત્રિકોને પગમાં ફોલ્લા પડી જતા હોવા છતાં માં આશાપુરા માતાજીના જયજયકારના નારા લગાવી પોતાની પીડા ભૂલી આસ્થાભેર માતાના મઢ સુધી પહોંચી જાય છે.

- text

પદયાત્રિકોની દિનરાત સેવા કરતા સેવાભાવી લોકો ……
માતાના મઢ પદયાત્રા કરી જતા ભાવિકજનોની સેવા કરવા મોરબી થી કચ્છ સુધી દર બે કિલોમીટરના અંતરે સેવાભાવી સંસ્થા અને લોકો દ્વારા દિવસ-રાત સેવા કેમ્પ ચલાવવામાં આવે છે, આ સેવા કેમ્પમાં પદયાત્રિકોને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ન્હાવાની તેમજ તમામ પ્રકારની મેડિકલ સેવાઓ પણ આપવામાં આવે છે અને પદયાત્રિકોની સેવા કરી પુણ્યનું ભાથું બાંધવામાં આવી રહ્યું છે.

- text