- text
આટીઘુટી, રોણા શેરમાં, ઝીકઝેક, વેસ્ટર્ન ટીટોડો સહિતના સ્ટેપ્સ હોટ ફેવરીટ : ડાંડિયા કલાસીસમાં અવનવા સ્ટેપ્સ શીખતા હજારો યુવક યુવતીઓ
મોરબી : માં આદ્યાશક્તિની આરધનાનું મહાપર્વ નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોરબીમાં નવરાત્રી મહોત્સવને લઈને યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા અઢી માસથી શહેરમાં ડાંડિયા ક્લાસીસોમાં હજારો યુવક યુવતીઓ વિવિધ સ્ટેપ્સની પ્રેક્ટીસ કરી રહ્યા છે. જેમાં નવા આટીઘુટી, રોણા શેરમાં, ઝીકઝેક અને વેસ્ટર્ન ટીટોડો સહિતના સ્ટેપ્સ યુવાનોમાં હોટ ફેવરીટ છે.
ઉત્સવ પ્રિય મોરબી શહેરમાં નવરાત્રી મહોત્સવ યુવાનોમાં અતિ પ્રિય ગણાય છે. તેમાં પણ નવરાત્રી મહોત્સવ નજીક આવતાની સથે યુવાધન ડાંડિયા રાસના તાલે ઝૂમવા માટે અગાઉથી તૈયારીમાં લાગી ગયું છે. નવરાત્રી મહોત્સવના નવે નવ દિવસ યુવાનો માટે રાત પડેને દિવસ ઉગે તેવો માહોલ સર્જાતો હોય છે. તેથી ડાંડિયા રાસના અવનવા સ્ટેપ્સની તાલીમ લેવા માટે યુવાનોમાં હોડ જામી છે. શહેરમાં નવરાત્રી મહોત્સવને લઈને અનેક સ્થળે નાના મોટા ડાંડિયા કલાસીસો ધમધમી રહ્યા છે. એક અંદાજ મુજબ શહેરમાં છેલ્લા અઢી માસથી ડાંડિયા રસમાં યુવાનોને વિવિધ સ્ટેપ્સની તાલીમ આપવામાં આવી રહી છે.
જેમાં ખાસ કરીને પાંચ મોટા ડાંડિયા કલાસીસો ચાલી રહ્યા છે અને નાના ડાંડિયા કલાસીસો અસંખ્ય છે. અઢી માસથી શહેરના યુવક યુવતીઓથી માંડીને મોટી વયના વ્યક્તિઓ પણ ડાંડિયા રાસના સ્ટેપ્સની તાલીમ લઈને નવરાત્રીના નવે નવ દિવસે રઢયાળી રાત્રે ગરબે રાસ ઝૂમવા અધીરા બન્યા છે. વાઈબ્રન્ટ ડાંડિયા કલાસીસના સંચાલક ભાસ્કરભાઈ પૈજાએ જણાવ્યું હતું કે, ડાંડિયા રાસમાં ૪૦ જેટલા સ્ટેપ્સ છે. જેમાં ૪ સ્ટેપ્સ, ૬ સ્ટેપ્સ, દોઢિયું, રંગીલું, ચોકડી, કાકાબાપાના સહિતના સ્ટેપ્સ જુના છે. જ્યારે આટી ઘુટી, ઝીકઝેક, રોણા શેરમાં, ટપ્પો ચોકડી, વેસ્ટર્ન ટીટોડો, ગોપાલા, વૃંદાવન સહિતના સ્ટેપ્સ નવા આવ્યા છે. જોકે યુવક યુવતીઓમાં જૂના ની સાથે નવા સ્ટેપ્સ પણ હોટ ફેવરીટ બન્યા છે. ડાંડિયા ક્લાસીસોમાં હજારો યુવક યુવતીઓ તાલીમ લઇ રહ્યા છે. જેમાં ૪ વર્ષથી માંડીને ૬૮ વર્ષના પુરુષો અને ૪ વર્ષથી માંડીને ૪૫ વર્ષની મહિલાઓ છે. અઢી માસથી યુવાનો ડાંડિયા રાસની તાલીમ લઇ રહ્યા છે. ડાંડિયારાસ ની તાલીમ લેતા યુવક યુવતીઓ કહે છે કે, અમારી તાલીમ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. અને હવે નવરાત્રીને વેલકમ કરવા સુસજ્જ છીએ. નવરાત્રી નજીક આવી હોવાથી નવ દિવસ સુધી રાસ રમવાનો આનંદ લેવાનો હરખ હૈયામાં સમાતો નથી. અને પ્રિન્સ પ્રિન્સેસ બનવા માટે ખાસ્સો પરસેવો પાડ્યો છે.
- text