- text
છેલ્લા બે માસની તુલનાએ ઓગષ્ટમાં મેલેરિયા સહિતની બીમારીએ માથું ઊંચક્યું
મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી માહોલ અને ભયંકર ગંદકીને કારણે રોગચાળો બેકાબુ બન્યો છે,ઘેર-ઘેર માંદગીના ખાટલા પથરાયા છે અને સરકારીથી લઇ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે,સરકારી આંકડા મુજબ જિલ્લામાં ઝાડા,કમળો,શરદી-ઉધરસ અને મેલેરિયાનું પ્રમાણ ઉતરોતર વધી રહ્યું છે આશ્ચર્યતો એ વાતનું છે કે સરકારી કરતા ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનું પ્રમાણ વધુ છે.
મોરબી શહેર જિલ્લામાં વરસાદી વાતાવરણ અને પારાવાર ગંદકીને કારણે જૂન માસથી રોગચાળામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. સરકારી આંકડા મુજબ જૂન માસમાં ઝાડાના ૧૫૭૦ કેસ,જુલાઈમાં ૧૮૧૪ અને ચાલુ માસમાં ૨૦ ઓગષ્ટ સુધીમાંજ ૨૨૭૧ કેસ નોંધાયા છે.
એ જ રીતે કમળાના કેસ જૂન માસમાં ૧૩ જુલાઈ માસમાં ૫૫ અને ચાલુ ઓગષ્ટ માસમાં ૬૧ કેસ સરકારી ચોપડે નોંધાયા હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ વરસાદી માહોલમાં મચ્છરો વધતા મેલેરિયા વકર્યો છે જુનમાસમાં મેલેરિયાના ૫૭ જુલાઈમાં ૧૦૫ અને ચાલુ માસે ૨૦ ઓગષ્ટ સુધીમાં ૧૪૫ કેસ નોંધાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. શરદી ઉધરસ ની સામાન્ય બીમારીએ પણ માજા મૂકી છે જૂનમાં ૩૩૯૯ જુલાઈમાં ૩૪૪૭ અને ઓગષ્ટમાં ૩૯૧૨ કેસ અત્યાર સુધીમાં નોંધાઇ ગયા છે.જોકે બધા વચ્ચે ટાઈફોઇડના કેસોમાં ઘટાડો નોંધાયો છે.
જોકે ઉપરોક્ત આંકડાઓ તો સરકારી તંત્ર દ્વારા એકત્રિત કરાયેલા છે હજુ અનેક નાની મોટી હોસ્પિટલમાં સારવાર લેનારાંઓની સંખ્યા અને રોગચાળાનો સાચો આક આથી પણ મોટો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
- text
- text