મોરબી પાલિકાની સાધરણ સભા મળી : 16 કમિટીના ચેરમેન અને સભ્યોની વરણી

- text


ભાજપને સાથ આપનાર કોંગ્રેસના ફારૂકભાઈને પ.વ.ડી.ના ચેરમેન બનાવાયા

મોરબી : મોરબી નગરપાલિકામાં લાંબા સમય બાદ ભાજપનું સ્થિર શાસન આવતા આજે પહેલી સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં 16 સમિતિના ચેરમેન-સભ્યોની વરણી કરવામાં આવી હતી જોકે છેલ્લી ઘડીએ મોરબીના ભાનુબેન નગવાડીયા હાઇકોર્ટ ના હુકમની બજાવણી કરી સમિતિઓ ની રચના ન કરવા માંગ કરી હતી પરન્તુ પાલિકા સત્તાધીશોએ કોર્ટના હુકમમાં સમિતિઓની રચના ના કરવી એવો કોઈ ઉલ્લેખના હોવાનું જણાવી પાંચ મિનિટમાં મીટીંગ આટોપી લઈ સમિતિઓની રચના કરી નાખી હતી. જયારે આ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કરી વિરોધ દર્શાવ્યો હતો.
મોરબી નગર પાલિકામાં સત્તાની સાઠમારીમાં અત્યાર સુધી એક પણ કમિટી રચવામાં આવી ન હતી પરન્તુ હવે ભાજપ નેતૃત્વમાં સ્થિર શાસન આવતા જ નવનિયુક્ત પ્રમુખ ગીતાબેન કણજારીયા અને ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા દ્વારા કમિટી રચનાનો મુદ્દો હાથ પર લઈ આજની સાધારણ સભામાં જુદી-જુદી 16 જેટલી કમિટી રચવામાં આવી હતી જેમાં એકઝયુકેટીવ કમિટીમાં જયરાજસિંહ જાડેજા, કંટ્રોલ કમિટીમાં પ્રફુલભાઈ આડેસરા, વોટર વર્કસમાં નાઝીયાબેન મકરાણી, પવડી કમિટીમાં ફારુકભાઈ મોટલાણી, અધર ટેક્સમાં અનિલભાઈ હડિયલ, સેનિટેસન કમિટીમાં મમતાબેન ઠાકર ને ચેરમેનપદ ની લોટરી લાગી હતી.
આ ઉપરાંત હેલ્થ કમિટી માં વાનીતાબેન ચાવડા,ગાર્ડન કમિટીમાં હીનાબા જાડેજા,રૂલ્સ અને બાયલોઝ માં કુલસુમબેન રાઠોડ,હાઉસ ટેક્સ કમિટીમાં કંચનબેન ડાભી,રોશની કમિટીમાં અરુણાબેન વડસોલા, પરચેઝ કમિટી માં દીપકભાઈ,ગેરેજ કમિટીમાં અમિતભાઇ ગામી, રમતગમત માં ગૌતમભાઈ સોલંકી,એડવાઈઝરી કમિટીમાં અરુણાબા જાડેજા અને ટાઉનપ્લાનિંગ કમિટીમાં પ્રકાશભાઈ ચબાડ ને ચેરમેનપદે વરણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજે સાધારણ સભા પૂર્વે ભાનુબેન નગવાડીયાએ નગરપાલિકાના સત્તાધીશોને હાઇકોર્ટ ના હુકમની બજાવણી કરી અગાઉની સમિતિ રદ ન થઇ હોય નવી સમિતિ ની રચના નહીં કરવા કાનૂની રીતે માંગ કરી હતી.
બીજીતરફ પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાએ આ મુદે કહ્યું હતુંકે હાઇકોર્ટના હુકમમાં આવું કઈ કહેવાયું નથી કે સમિતિઓની રચના ના કરવી જેથી અમે સમિતિઓની રચના કરી નાખી છે. આમ,મોરબી પાલિકામાં સમિતિની રચના સંમયે જ હાઇકોર્ટે નો હુકમ આવતા આવનાર દિવસોમાં વિવાદ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

 

- text