મોરબી : વાવડી રોડની શેરીનાં ભૂગર્ભ ગટર પ્રશ્ને લોકોનો પાલિકામાં હલ્લાબોલ

- text


મોરબીનાં વાવડી રોડ પરનાં વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાય છે ત્યારે લોકોની મુશ્કેલી વધવા છતાં તંત્ર બેશરમ બની તમાશો જોઈ રહેતા આ વિસ્તારનાં લોકોએ પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો. અને ગટર ઉભરાવવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

- text

વાવડી રોડ પર આવેલી ગાયત્રીનગર ૧ અને કુબેર શેરી નં.૪માં છેલ્લા ૨ માસથી ગટર ઉભરાવવાની ભયંકર સમસ્યા સર્જાય છે. ખાસ કરીને ભૂગર્ભ ગટરની કુંડી તૂટી ગઈ હોવાથી ગટરનાં પાણીએ માજા મૂકી છે. આખા વિસ્તારમાં ગંદા પાણીનાં તલાવડા ભરાયા છે. અને મચ્છરોનાં ઉપદ્રવથી રોગચારાની ભીતિ સર્જાય છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રએ ધ્યાન ન આપતા અંતે પુરુષ સભ્યોનું ટોળું પાલિકા કચેરીએ દોડી ગયું હતું અને ઉપપ્રમુખ તથા ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી કે, ભૂગર્ભ ગટરની કુંડી તૂટી ગઈ છે. તાજેતરમાં પડેલા વરસાદમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા અને ચોમાસાની ઋતુમાં વરસાદ આવતા ફરી પાણી ભરાવવાની ભીતિ રહે છે. વરસાદી પાણી ગટરનાં પાણી સાથે ભળે છે. જો કે, મહિલાઓએ તે વિસ્તારનાં કાઉન્સીલરને રજૂઆત કરી હતી પરંતુ તેમણે અણછાજતું વર્તન કર્યું હતું. આ અંગે ઉપપ્રમુખે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

- text