- text
જ્યાં સુધી રોડનું કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી ચક્કાજામની ચીમકી
મત માગવા સમયે ઘરે ઘરે આવીને જગાડો છો તો અત્યારે ક્યાં ગયા ?- રહીશો
મોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલા શ્યામ-1 અન શ્યામ-2 સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે આજે મહિલાઓએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ રોડ ચક્કાજામ કરીને રોડનું કામ પૂરું કરવા માટે માગ કરી હતી. મળતી વિગતો પ્રમાણે છેલ્લા 9 મહિનાથી રોડનું કામ બંધ હાલતમાં છે. આ અંગે અનેક વખત પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી ન થતાં રહેવાસીઓની ધીરજ ખુટી હતી અને આજે રોડ ચક્કાજામ કર્યો હતો.
સોસાયટીના રહીશ મીરાબેન દેત્રોજાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, શ્યામ-1 અને શ્યામ-2માં રોડનું કામ ચાલુ હતુ. જેમાંથી શ્યામ-2માં રોડ બની ગયો છે અને અમારી સોસાયટી શ્યામ-1માં રોડનું કામ અધુરું છે. જેના કારણે જ્યાં જુઓ તો કાંકરી અને રેતીના ઢગલા પડ્યા છે. જ્યાં સુધી રોડનું કામ ચાલુ નહીં કરે ત્યાં સુધી અમે ચક્કાજામ કરીશું. નગરપાલિકામાં રજૂઆત કરી તો જણાવ્યું હતું કે, રોડનું કામ કરી આપીશું પરંતું હજુ સુધી કામ પૂરું થયું નથી. લોકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, મત માગવા સમયે ઘરે ઘરે આવીને જગાડો છો તો અત્યારે ક્યાં ગયા ?
સોસાયટીના અન્ય એક રહીશે જણાવ્યું હતું કે, છેલ્લા 90 દિવસથી શ્યામ-1ના રોડનું કામ બંધ પડ્યું છે. આ અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાસે પણ ચાર વખત રજૂઆત કરવા ગયા હતા. પરંતુ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. જેટલો રોડ બન્યો છે તેનું 23 લાખનું બિલ કોન્ટ્રાક્ટરને મળ્યું ન હોવાથી કોન્ટ્રાક્ટર બાકીનું કામ પૂરું ન કરતાં હોવાનું પણ રહીશોએ જણાવ્યું હતું.
- text
- text