નાટકોમાં થતી આવકમાંથી ગૌશાળાનો આખો વર્ષનો ખર્ચ નીકળે છે
મોરબી : મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી નવરાત્રીથી લઇ અને લાભપાંચમ સુધીમાં ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટકો યોજાય છે. જેમાં આ વર્ષે પણ મોરબી અને ટંકારા પંથકના ગામડાઓમાં ઐતિહાસિક નાટકો ભજવવામાં આવશે. આ નાટકમાં ગામના યુવાનો જ તમામ પાત્રો ભજવે છે. અને આખું ગામ આ નાટક જોવા આવે છે.આખું વર્ષ ગૌશાળાઓનો નિભાવ થાય તેટલી આવક આ નાટકોના માધ્યમથી થઇ જાય છે. સાથે લોકોના મનોરંજન માટે હાસ્ય કોમિક પણ યોજાય છે
મોરબીના વાઘપર ગામ સમસ્ત દ્વારા તા. 2 ને શનિવારના રોજ બેસતા વર્ષની રાત્રે 9 કલાકે હનુમાનજી મંદિર મેદાન વાઘપર ખાતે મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાને ગરીબોનો બેલી તથા જીવણ શેઠની જમાવટ કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના રાજપર(કુ.) ગામે આગામી તારીખ 3 નવેમ્બર ને રવિવારે ભાઈબીજના દિવસે રાત્રે 9.30 કાલકે ટોબરિયા હનુમાનજી ગૌશાળા- શનાળાના લાભાર્થે રામજી મંદિર ચોકમાં સોમનાથ મંદિરના ઈતિહાસની ઝાંખી કરાવતું મહાન નાટક સોમનાથની સખાતે વીર હમીરજી ગોહિલ અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક શાણી કન્યા અબૂધ વર ભજવવામાં આવશે.
જયારે થોરાળા ખાતે નિરાધાર ગૌ માતાના લાભાર્થે તા.3ને રવિવારના રોજ રાત્રે 10:30 કલાકે ભાઈ બીજના દિવસે રાધે ક્રિષ્ના ગૌશાળા યુવક મંડળ મહાન ઐતિહાસિક નાટક જરાસંઘ વધ રજૂ કરશે. આ સાથે રમુજથી ભરપૂર કોમિક દિ ઉઠાડ્યો દામલે રજૂ કરાશે. તેમજ મોરબીના વાંકડા ગામ સમસ્ત દ્વારા ગૌશાળા તથા પ્રાથમિક શાળાના લાભાર્થે તારીખ 3 ને રવિવારના રોજ રાત્રે 10 કલાક દરમ્યાન ઉદાસીન ચોક વાંકડા ખાતે ઐતિહાસિક નાટક દેશપ્રેમી તથા કોમિક દીકરો દયારામનું ભજવાશે. ટંકારાના સજનપર ગામે તા.3ને રવિવારના રોજ રાત્રે 9:30 કલાકે ગૌ શાળાના લાભાર્થે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક મચ્છુ તારા વહેતાપાણી યાનેકે ઢેલડી નગરનો ઇતિહાસ સાથે જ હાસ્ય રસિકો માટે કોમિક પણ યોજાશે.